ગુજરાતી મૂળના હોલિવૂડના કલાકાર દેવ પટેલે બનાવેલી ફિલ્મ ‘મંકી મેન’ની ભારતમાં રિલીઝ અટકી પડી છે. આ ફિલ્મમાં ભારતની ઓટીટીની જાણીતી સ્ટાર શોભિતા ધુલીપાલા તથા સિકંદર ખેર સહિતના અનેક ભારતીય કલાકારો છે. તેઓ ભારતીય દર્શકો સુધી પોતાની ફિલ્મ પહોંચે તેની પ્રતીક્ષામાં છે. ‘સ્લમડોગ મિલિયોનર’ ફિલ્મના હિરો તરીકે જાણીતા દેવ પટેલે આ ફિલ્મ દ્વારા દિગ્દર્શન ક્ષેત્રે પગરણ માંડ્યા છે. ફિલ્મની વાર્તા રાજકીય રીતે બહુ સંવેદનશીલ છે. ભારતમાં હાલ લોકસભા ચૂંટણીઓ ચાલી રહી હોવાથી સેન્સર બોર્ડ ફૂંકી ફૂંકીને કદમ ભરી રહ્યું છે. કોઈ વિવાદ ન થાય તે માટે આ ફિલ્મને મંજૂરી આપવામાં વિલંબ થઈ રહ્યાનું મનાય છે.
અગાઉ આ ફિલ્મ ભારતમાં 19 એપ્રિલે રીલિઝ થશે એવું જાહેર થયું હતું, પરંતુ એ જ દરમિયાન લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ હતી. આથી, ફિલ્મની રીલિઝ અટકાવી દેવાઈ હતી. એક મલ્ટીનેશનલ ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ આવવાની હતી પરંતુ આ પ્લેટફોર્મે પણ કોઈ વિવાદ ટાળવા માટે તેનાં ભારતીય પ્લેટફોર્મ પર ફિલ્મ રીલિઝ કરવાનું ટાળ્યું છે.
આ ફિલ્મ વિશ્વભરમાં રૂ. 233 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે. જોકે, શોભિતા ધુલિપાલા સહિતના કલાકારોને તેમના આ હોલીવૂડ પ્રોજેક્ટ માટે ભારે આશાઓ છે અને તેઓ ભારતીય દર્શકો સુધી આ ફિલ્મ પહોંચે તેમ ઈચ્છે છે, પરંતુ હજુ સુધી તો તેમની ઈચ્છા ફળી નથી.