ફિલ્મો દ્વારા ભારતવાસીઓમાં દેશભક્તિનો જુસ્સો જગાડનાર અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું શુક્રવારે વહેલી સવારે મુંબઇમાં નિધન થયું છે. 87 વર્ષના મનોજ કુમાર લાંબા સમયથી લીવર સિરોસિસથી પીડાતા હતા અને 21 ફેબ્રુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મનોજ કુમારે 1967માં ‘ઉપકાર’ ફિલ્મ બનાવી હતી અને ફિલ્મના ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે...’ની અપાર લોકપ્રિયતા બાદ ‘ભારત કુમાર’ તરીકે જાણીતા થયા હતા. ફિલ્મોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને 1992માં પદ્મશ્રી અને 2016માં સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજાયા હતા. તેમણે 7 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા હતા. તેમનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ અવિભાજિત ભારતના એબોટાબાદ (હવે પાકિસ્તાનમાં)માં પંજાબી હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ફિલ્મો પછી તેમણે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો. 2004માં ભાજપના સભ્ય બન્યા. તેમના અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સન્માન સાથે શનિવારે સંપન્ન થયા હતા. તેમના પરિવારમાં પત્ની શશી અને બે પુત્રો છે.
મનોજ કુમારની ફિલ્મો તેમની દેશભક્તિ, સાહસ અને સિનેમા પ્રતિના તેમના સમર્પણ ભાવને દર્શાવે છે. તેમની ફિલ્મ ‘ઉપકાર’ (1967) ખૂબ ચર્ચામાં રહી છે. તે ફિલ્મ નિર્માણ માટે એક ખાસ મુલાકાત જવાબદાર હતી. 1965ના ભારત-પાક. યુદ્ધ પછી તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ મનોજ કુમારની ફિલ્મ ‘શહીદ’ જોઈ હતી. ભગત સિંહના જીવન પર આધારિત તે ફિલ્મ જોયા પછી શાસ્ત્રીજીએ મનોજ કુમારને તેમણે આપેલા ‘જય જવાન જય કિસાન’ સૂત્ર આધારિત એક ફિલ્મ બનાવવા કહ્યું હતું. મનોજ કુમારને તે સૂચના એટલું ગમી ગયું કે ટ્રેનમાં દિલ્હીથી મુંબઈની સફર કરતી વખતે જ ફિલ્મની પટકથા લખી નાખી. તે ફિલ્મ ખૂબ સફળ રહી. તે ફિલ્મના ગીત ‘મેરે દેશ કી ધરતી...’ એ દેશભક્તિની ભાવનાને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી હતી.
ભગત સિંહના માતાને મળ્યા પછી ‘શહીદ’ બની
મનોજ કુમાર ભગત સિંહ પ્રતિ ખૂબ આદર અને લાગણી ધરાવતા હતા. ફિલ્મ ‘શહીદ’ (1965) બનાવી તે પહેલાં ભગત સિંહના માતા વિદ્યાવતીને મળ્યા હતા. તે મુલાકાત વખતે મનોજ કુમાર ભાવુક થઈ ગયા હતા. હોસ્ટિપલમાં સારવાર લઈ રહેલા વિદ્યાવતીએ કહ્યું હતું કે, ‘તૂ તો બિલકુલ ભગત સિંહ જૈસા લગતા હૈ...’ આ મુલાકાતે મનોજ કુમારને એટલા પ્રભાવિત કરી દીધા કે ભગત સિંહના પાત્રને પરદા પર ઉતારી દીધું. ‘શહીદ’ ફિલ્મે મનોજ કુમારને દેશભક્તિની ફિલ્મોના પ્રતીક બનાવી દીધા. આ ફિલ્મનું ગીત ‘મેરા રંગ દે બસંતી ચોલા’ દેશભક્તિના કાર્યક્રમમાં આજે પણ અચૂકપણ ગુંજતું રહે છે.
દિલોદિમાગમાં દેશભક્તિનું કારણ
મનોજ કુમારની દેશભક્તિની ભાવના પાછળ એક દર્દનાક સચ્ચાઈ છુપાયેલી છે. તેમનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ પાકિસ્તાનના એબોટાબાદ ખાતે થયો હતો. 1947માં ભારત-પાક. ભાગલા પડતાં તેમનો પરિવાર દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીમાં શરણાર્થી શિબિરોમાં અતિશય મુશ્કેલ સમય વિતાવ્યો હતો. બસ તે કારણે તેમના હૃદયમાં દેશ માટે કાંઈક કરી છૂટવાની ભાવનાએ જન્મ લીધો હતો. તેથી તેમણે દેશભક્તિની ફિલ્મો બનાવી હતી.
રાષ્ટ્રવાદના ઉદયમાં સૌથી મોટું યોગદાનઃ શત્રુઘ્ન
‘ક્રાંતિ’ સહિતની ઘણી હિટ ફિલ્મોમાં સહ-અભિનેતા તરીકે રહેલા શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે - તેમનામાં રાષ્ટ્રવાદ ઊંડે સુધી સમાયેલો હતો. તેમણે કહ્યું હતું કે મને યાદ છે કે તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી મનોજની ફિલ્મ ‘ઉપકાર’ જોવા માટે દિલ્હીના ગોલચા સિનેમામાં આવ્યા હતા. શાસ્ત્રીજીને ફિલ્મો જોવાનો શોખ નહોતો. તેઓ માત્ર 10 મિનિટ માટે ફિલ્મ જોવા આવ્યા હતા, પણ એટલા મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે તેઓ આખી ત્રણ કલાકની ફિલ્મ જોયા પછી જ ઊભા થયા. મનોજજીના જવાથી ફિલ્મ ઉદ્યોગને પણ એવું જ નુકસાન થયું જેવું સુનીલ દત્ત કે લતા મંગેશકરના જવાથી થયું હતું. તેમને ભલે ગમે તેટલા એવોર્ડ મળ્યા હોય. પરંતુ તે તમામ તેમના કદ સામે ફિક્કા હતા. તેઓ ખરેખર ‘ભારત રત્ન’ હતા. મનોજ મારી પત્નીને પોતાની બહેન માનતા હતા અને રાખડી બંધાવતા હતા. જ્યારે અમારા જોડિયા બાળકો થયા, ત્યારે તેમણે જ તેમનું નામ ‘લવ કુશ’ રાખ્યા હતાં.
અમિતાભની કારકિર્દીને નવી દિશા
મનોજ કુમાર અમિતાભ બચ્ચન સાથે પણ ખૂબ સારા સંબંધ ધરાવતા હતા. એક સમય એવો હતો કે અમિતાભ બચ્ચનની ફિલ્મ્સ સતત ફ્લોપ થઈ રહી હતી. અમિતાભ હતાશ થઈને મુંબઈ છોડીને દિલ્હી પાછા ફરવાનો નિર્ણય લઈ ચૂક્યા હતા ત્યારે મનોજ કુમારે તેમને રોક્યા હતા. એક મુલાકાતમાં મનોજકુમારે કહ્યું હતું કે લોકો અમિતાભને મેણાં મારી રહ્યા હતા. તેવામાં તેમણે ‘રોટી કપડાં ઓર મકાન’ (1974)માં અમિતાભને તક આપી હતી. ફિલ્મ હિટ થતાં અમિતાભની કારકિર્દીને નવી દિશા મળી હતી. અમિતાભ તે પછી એંગ્રી યંગ મેનના રૂપમાં બોલિવૂડના શિખરે પહોંચ્યા હતા.
19 વર્ષની વયે 90 વર્ષના ભિક્ષુકનો રોલ
મનોજ કુમાર ફિલ્મમાં હીરો બનવા આવ્યા હતા, પરંતુ ફિલ્મ નિર્માતા લેખરાજ ભાખડી, કુલદીપ સહેગલ કે જેમને તેઓ ‘ભાઇ સાહેબ’ કહેતા હતા તેમણે મનોજ કુમારને 1957માં આવેલી ‘ફેશન’ ફિલ્મમાં 90 વર્ષના ભિખારીનો રોલ આપ્યો હતો. તે વખતે મનોજ કુમારની વય માત્ર 19 વર્ષ હતી. જોકે, મનોજ કુમારે તે રોલ આબાદ ભજવ્યો હતો. તેમણે પોતાની કરિયરમાં મળેલા તમામ રોલ એકદમ પરફેક્ટ રીતે નિભાવ્યા હતા.
શશી સાથે પહેલી નજરનો પ્રેમ
મનોજ કુમાર અને શશી ગોસ્વામીની પ્રેમ કહાણી અનોખી નહોતી. મનોજે ઘણી અભિનેત્રીઓ જોડે કામ કર્યું હતું પરંતુ તેમનું નામ કોઇ પણ એકટ્રેસ સાથે જોડાયું નહોતું. તેઓ પોતાની પત્નીને વફાદાર રહ્યા હતા. શશિ સાથે પહેલી મુલાકાત તેઓ કોલેજમાં હતા ત્યારે થઇ હતી. દિલ્હીમાં પોતાના મિત્રના ઘરે ભણવા જતી વખતે પહેલી વાર મનોજ કુમારે શશિને જોયા હતા. અને જોતાં જ પ્રેમમાં પડી ગયા હતા. કુમાર દોઢ વર્ષ સુધી પોતાની ભાવિ પત્નીને માત્ર જોતાં જ રહ્યા હતા વાત પણ નહોતી કરી. તેમના ઘરના લોકો લગ્ન માટે તૈયાર હતા, પરંતુ શશિના માતા અને ભાઇ સંબંધના વિરોધમાં હતા.
તેમની ફિલ્મોમાં દેશભક્તિ ઝળકતીઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પરની પોસ્ટમાં અભિનેતા મનોજ કુમાર સાથેની તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના અવસાનથી દુઃખ થયું છે. તેઓ ભારતીય સિનેમાના પ્રતીક હતા, તેમને ખાસ કરીને દેશભક્તિની ફિલ્મો માટે યાદ રખાશે. તેમની ફિલ્મોમાં દેશભક્તિ નીતરતી હતી. મનોજજીના કાર્યો રાષ્ટ્રીય ગૌરવની ભાવનાઓને જગાવી હતી. આ દુઃની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકોની સાથે છે. ઓમ શાંતિ.
દેશપ્રેમ અને સામાજિક સમસ્યા દર્શાવતી
મનોજકુમારની ટોપ-10 ફિલ્મો
• ક્રાંતિ • દસ નંબરી • રોટી કપડાં ઔર મકાન • પૂરબ ઔર પશ્ચિમ • ઉપકાર • બે-ઈમાન • ગુમનામ • હિમાલય કી ગોદ મેં • નીલ કમલ • દો બદન