અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’નો વિવાદ અટકવાનો નામ નથી લેતો. વિવાદાસ્પદ વિષય પર બનેલી આ ફિલ્મના નિર્માતા અને કલાકારોને અજાણ્યા લોકો તરફથી સતત જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી મળી રહી છે. ફિલ્મના કેટલાક કલાકારોએ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. હવે એક્ટર અન્નુ કપૂરે એક વીડિયો મેસેજ જાહેર કરીને ફિલ્મ અંગે સ્પષ્ટતા આપીને મહારાષ્ટ્ર પોલીસ અને ગૃહ મંત્રાલય પાસે સુરક્ષા માંગી છે. અન્નુ કહે છે, ‘આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા પછી અમને, અમારા કલાકારોને અને ડિરેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે, પરંતુ હું મારી ટીમને કહેવા માંગું છું કે ગભરાવાની જરૂર નથી. આવી ઘટનાઓ પહેલા પણ ઘણી વખત બની છે.’ અન્નુએ આગળ કહ્યું હતું, ‘હું લોકોને અપીલ કરું છું કે તેઓ ફિલ્મ જોયા વિના પોતાનો અભિપ્રાય ન બાંધી લે. અમારી ફિલ્મ મહિલા સશક્તિકરણ અને વસ્તી નિયંત્રણ વિશે છે. અમારો હેતુ કોઈ ધર્મ પર હુમલો કરવાનો નથી.’ ૉ
કાન્સ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ
પેરિસમાં તાજેતરમાં સંપન્ન થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘હમારે બારહ’નું સ્પેશિયલ સ્ક્રિનિંગ થયું હતું. આ ફિલ્મ સાત જૂને રિલીઝ થવાની છે. ફિલ્મમાં મુસ્લિમ મહિલાઓનો સંઘર્ષ દર્શાવાયો છે. ઉત્તર પ્રદેશના બેક ડ્રોપમાં બનેલી આ ફિલ્મમાં દેશમાં વધી રહેલી વસતી અંગે વાત છે. મુસ્લિમ સમાજમાં પુરુષોની જોહુકમી અને મહિલાઓના સંઘર્ષ-વ્યથાને ફિલ્મના કેન્દ્રમાં છે.