ધર્મેન્દ્રને હજુ સુધી દાદાસાહેબ ફાળકે પુરસ્કાર નહીં મળવા અંગે તેમના પત્ની તથા ભાજપ સાંસદ હેમા માલિનીએઅ અફસોસ વ્યક્ત કર્યો છે. હેમાએ કહ્યું છે કે ધરમજીને અત્યાર સુધીમાં તો આ સન્માન મળી જવું જોઈતું હતું. ધરમજી આ સન્માન માટે સંપૂર્ણ હક્કદાર છે.
ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે સન્માનથી નવાજવાની જાહેરાત કરી છે. ધર્મેન્દ્રની સરખામણીએ મિથુન તો ક્યાંય જુનિયર છે. આ ઉપરાંત સરખામણીની રીતે ધર્મેન્દ્રએ મિથુન કરતાં વધારે સફળ અને વિવિધ રેન્જની ફિલ્મો આપી છે. જોકે, હેમાએ મિથુન ચક્રવર્તીને ફાળકે સન્માન મળવા અંગે ખુશી પણ વ્યક્ત કરી હતી અને તેમને અભિનંદન પણ પાઠવ્યાં હતાં. ધર્મેન્દ્રના ચાહકોએ સદા વસવસો વ્યક્ત કર્યો છે કે ધર્મેન્દ્રને આજીવન એ સન્માન નથી મળ્યું જેના તેઓ હક્કદાર છે. ભૂતકાળમાં પણ ધર્મેન્દ્ર એકથી વધુ વાર ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થયા હતા, પરંતુ તેને ક્યારેય એ એવોર્ડ મળ્યો ન હતો. આખરે જ્યારે ધર્મેન્દ્રને ફિલ્મફેરનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો ત્યારે તે એવોર્ડ સ્વીકારતી વખતે ધર્મેન્દ્રએ પોતાને બેસ્ટ એક્ટર તરીકેનો ફિલ્મફેર એવોર્ડ ક્યારેય ન મળ્યો હોવાની વાતનો વસવસો કર્યો હતો. 88 વર્ષની વયે હજુ પણ ધર્મેન્દ્ર ફિલ્મોમાં સક્રિય છે અને નાના મોટા રોલમાં દેખા દે છે.