એક જમાનાના અતિ લોકપ્રિય રિયાલિટી ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ પછી અમિતાભ બચ્ચન એક નવા ટીવી શોમાં દેખાશે. ‘આજ કી રાત હૈ જિંદગી’નામના આ શોમાં ૭૨ વર્ષીય અમિતાભ નવા અવતારમાં જોવા મળશે. આ અંગે મહાનાયકે જણાવ્યું હતું કે, ‘સ્ટાર ઈન્ડિયા સાથે ટેલિવિઝન પર પ્રથમ કદમ રાખ્યા પછી સ્ટાર પ્લસ સાથે હું ફરી કામ કરવા માટે ઈચ્છુક છું. હું ઈચ્છતો હતો કે અમે એક સારા શો માટે ફરી સાથે આવીએ અને વારસાને આગળ વધારીએ.’ અમિતાભ ફિક્શન આધારિત લઘુ શ્રૃંખલા ‘યુદ્ધ’માં પણ પોતાનો અભિનય દર્શાવી ચુક્યા છે. તેમણે કહ્યું હતું, ‘જ્યારે મેં નવા શો અંગે સાંભળ્યું તો હું તેની સાથે જોડાવા તરત તૈયાર થયો. મને લાગે છે કે મીડિયા ખરેખર એક એવું શક્તિશાળી માધ્યમ છે જે પરિવર્તનને પ્રેરિત કરી શકે છે પણ આ આપણે મનોરંજન દ્વારા પ્રાપ્ત કરવું પડશે. મને આ શો એટલા માટે પસંદ છે કે તે સંપૂર્ણપણે મનોરંજક છે.’