બોલિવૂડમાં ઓમ પુરી અને નસીરુદ્દીન શાહની મિત્રતા જાણીતી છે. પરંતુ હવે તેમના વચ્ચે તિરાડ પડી હોવાનું જણાય છે. ઓમ પુરીએ થોડા દિવસ અગાઉ એક એવી વાત કરી હતી જેનાથી સ્પષ્ટ થાય છે કે તેના અને નસીરુદ્દીનના સંબંધો પહેલા જેવા નથી રહ્યા. ગયા વર્ષે અનુપમ ખેરના એક શોમાં તે બંને સાથે જોવા મળ્યા હતા. તે વખતે નસીરે કહ્યું હતું કે જે રીતે ઇન્ટરનેશનલ રોલ એમને મળે છે તેનાથી મને તેની ઇર્ષ્યા આવે છે. જોકે આ વખતે ઓમપુરીએ તો સ્પષ્ટ કહ્યું છે કે બંનેની મિત્રતામાં તિરાડ પડી છે.
તેમની વચ્ચે ખટાશ ઊભી થવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ શક્ય છે કે ઓમપુરીનાં પોતાની પત્ની સાથેના સંબંધો બગડ્યા હતા અને તે પત્નીને મારતો હતો તેવી વાત જાહેર થઇ ત્યારે નસીરે તેને સાથ આપ્યો નહોતો. કદાચ આ જ કારણથી તેમની મિત્રતાને અસર પહોંચી હોય.
તાજેતરમાં રાયપુરમાં ઓમ પુરીએ કહ્યું હતું કે, ‘એ સમય જુદો જ હતો જ્યારે હું અને નસીર ખાસ મિત્રો હતા. પરંતુ હવે અમારા સંબંધો સારા નથી. એક જ ક્ષેત્રમાં રહીને અમે કદી સ્પર્ધા નહોતી કરી, કારણકે અમે પરિપક્વ હતા. અમે ક્યારેય અસુરક્ષા નહોતી અનુભવી. ‘અર્ધસત્ય’ ફિલ્મમાં મારા જેવો અભિનય કરવાની તેની ક્ષમતા નથી તેવું જાહેરમાં તે કહેતો હતો. અમે બંને નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં હતા ત્યારે પણ હું તેના કરતા વધુ મહેનત કરતો હતો. આજે તે મારા કરતા વધુ મહેનત કરે છે અને હું આળસુ થઇ ગયો છું. પરંતુ હવે હું પણ મારા કામ પ્રત્યે ગંભીર થઇ તેને જડબાતોડ જવાબ આપવાનો છું.’