છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલી બ્રેકઅપની મોસમ વચ્ચે નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ પોતાના રિલેશન્સને જગજાહેર કર્યાં છે. તારીખ 8-8-8ના સંયોગ સાથે તેમણે સગાઈ કરી છે અને ચૈતન્યના પિતા નાગાર્જુને બંનેને આશીર્વાદ પણ આપી દીધા છે. છેલ્લા બે વર્ષથી ચૈતન્ય અને શોભિતા અવાર-નવાર સાથે જોવા મળતા હતા, પરંતુ પોતાના રિલેશન્સ અંગે મૌન હતા. હવે આઠ ઓગસ્ટે સવારે તેમણે સગાઈ કરી લીધી છે. શોભિતાએ મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર ડ્રેસ પસંદ કર્યો હતો, જ્યારે ચૈતન્ય પરંપરાગત ધોતી-ખેસ-ઝભ્ભામાં સજ્જ હતો. બંનેને નવજીવનની શરૂઆતના આશીર્વાદ આપતી સમયે નાગાર્જુન પણ ખૂબ ખુશ જણાતો હતો.
સગાઈની જાહેરાત કરવાની સાથે ચૈતન્ય-શોભિતાએ 8ના આંકડાનો ત્રણ વાર ઉલ્લેખ કર્યો છે અને તેનાથી અનેક લોકો મૂંઝાઈ રહ્યા છે. વાત એમ છે કે ન્યૂમેરોલોજીમાં વિશ્વાસ ધરાવનારા લોકો 8 ઓગસ્ટને બહુ શુભ માને છે. તેમાં પણ આ વર્ષે ત્રણ 8નો સંયોગ હતો. 8મી તારીખ અને 8મા મહિના ઉપરાંત 2024નો સરવાળો પણ 8 થાય છે. આમ ત્રણ આઠનો સંયોગ ખૂબ શુભ મનાય છે. આ સંયોગને લાયન્સ ગેટ પોર્ટલ તરીકે પણ ઓળખાય છે કારણ કે 8 અને અનંતના પ્રતીકમાં ભારે સમાનતા છે. આથી ખુશીઓ અનંત સમય સુધી રહે તેવી માન્યતા છે.
ચૈતન્ય અગાઉ લગ્નજીવનમાં વિચ્છેદ ભોગવી ચૂક્યો છે અને આ વખતે સુખી લગ્નજીવન ટકી રહે તેવી તેની ઈચ્છા છે, જેથી આ દિવસનું તેના માટે વિશેષ મહત્ત્વ હતું. ચાર વર્ષના લગ્નજીવન બાદ નાગા ચૈતન્ય અને સામંથાએ ઓક્ટોબર 2021માં છૂટાછેડા લીધા હતા. કેટલાક મહિના બાદ એટલે કે 2022માં હૈદરાબાદ ખાતે ચૈતન્યના ઘરે શોભિતા જોવા મળી હતી. તે સમયથી બંને વચ્ચે રિલેશન્સની અટકળો ચાલતી હતી. 2023માં તેઓ ફોરેન વેકેશન માટે પણ સાથે ગયા હતા. આ ઉપરાંત પાર્ટીમાં પણ સાથે જોવા મળતા હતા. બેમાંથી કોઈએ આ અંગે જાહેરમાં વાત કરી ન હતી. બે વર્ષ સુધી તેમણે સગાઈ માટે રાહ જોઈ હતી.