બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. નુસરતે વડાપ્રધાન મોદી સાથેની એક તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તસવીર શેર કરતાં નુસરતે વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. પ્રશંસકોને પણ આ વાત ખૂબ પસંદ પડી. નુસરતે તે સમય યુદ્ધગ્રસ્ત ઇઝરાયેલમાંથી તેને સ્વદેશ લાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. એક મીડિયા હાઉસની ઇવેન્ટમાં વડાપ્રધાન મોદી અને નુસરતની મુલાકાત થઈ હતી. નુસરતે મુલાકાતની તસવીર શેર કરીને લખ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદીને મળવાની તક મળી તે બદલ આભારી છું. મોદીજીના નેતૃત્વમાં તાજેતરમાં ઇઝરાયેલ સંઘર્ષમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા ઝડપી કામગીરી થઈ હતી. તેમાં મારો પણ સમાવેશ થતો હતો. તે બદલ મોદીજીનો વ્યક્તિગત આભાર માનવાની તક મળી તે બદલ આભારી છું.’ નુસરતે ગુજરાતીમાં લખ્યું હતું કે, ‘આપની આ મુલાકાત બદલ ખૂબ ખૂબ આભાર. મારે માટે આ મુલાકાત જીવનભર યાદગાર રહેશે.’ નોંધનીય છે કે વર્ષ 2023ના ઓક્ટોબર મહિનામાં નુસરત પોતાની ફિલ્મના શુટિંગ અર્થે ઇઝરાયેલ પહોંચી હતી. નુસરત ઇઝરાયેલમાં હતી ત્યારે જ ઇઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ચોમેર બોમ્બ અને ગોળીબારના અવાજો સંભળાતા હતા. મુસીબતમાં ફસાયેલી નુસરતે ભારત સરકાર પાસે મદદની માગણી કરી હતી તે પછી ભારત સરકારે નુસરતને બચાવી હતી.