મુંબઈઃ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે લાંબો સમય ઇંતઝાર કરાવ્યા બાદ આખરે ૬૬મા નેશનલ એવોર્ડ્સની જાહેરાત કરી છે. ફીચર ફિલ્મોને કુલ ૩૧ કેટેગરીમાં એવોર્ડ અપાયા છે, જેમાં ‘અંધાધૂન’ને બેસ્ટ હિન્દી ફિલ્મનો જ્યારે ‘બધાઈ હો’ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ મળ્યા છે. નેશનલ એવોર્ડસની જાહેરાતમાં ‘પદ્માવત’, ‘અંધાધૂન’, ‘બધાઈ હો’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ની બોલબાલા રહી હતી. આયુષ્માન ખુરાના અને વિકી કૌશલને બેસ્ટ એક્ટર કેટેગરીમાં સહિયારા વિજેતા જાહેર થયા છે.
જોકે એવોર્ડમાં સૌથી ઉલ્લેખનીય જાહેરાત ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની છે. આ ફિલ્મે ફિચર ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મેળવ્યો છે. તો ધ્રુવ ભટ્ટ લિખિત ‘રેવા’ ફિલ્મે પ્રાદેશિક ભાષાની કેટેગરીમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મેળવ્યો છે. આમ તો દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ વિજેતાઓના નામ એપ્રિલમાં જાહેર થાય છે, પરંતુ આ વર્ષે લોકસભા ચૂંટણી હોવાથી જાહેરાત મુલત્વી રખાઇ હતી.
વિજેતાઓની યાદી
• બેસ્ટ હિન્દી ફિચર ફિલ્મ - ‘અંધાધૂન’ • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ - ‘બધાઈ હો’ • બેસ્ટ ફિચર ફિલ્મ - ‘હેલારો (ગુજરાતી) • બેસ્ટ ડાયરેક્શન - આદિત્ય ધર (‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’) • બેસ્ટ એક્ટ્રેસ - કીર્તિ સુરેશ (‘મહાનતી’ - તેલુગુ) • બેસ્ટ એક્ટર - આયુષ્માન ખુરાના (‘અંધાધૂન), વિકી કૌશલ (‘ઉરી’) • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - સુરેખા સિકરી (‘બધાઈ હો’) • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - સ્વાનંદ કિર્કિરે (‘ચુંબક’) • બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - અરિજિત સિંઘ (‘બિંતે દિલ...’ - ‘પદ્માવત’) • બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર - બિંદુ માલિની (‘નાથીચરામી’ - કન્નડ) • બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર - સંજય લીલા ભણસાલી (‘પદ્માવત’) • બેસ્ટ બેકગ્રાઉન્ડ સંગીત - સાસ્વત સચદેવા (‘ઉરી’) • બેસ્ટ કોરિયોગ્રાફી - પદ્માવત (‘ઘૂમર’)