બોલિવૂડના બે દિવંગત કલાકારોને ૬૫મા નેશનલ ફિલ્મ એવોર્ડસમાં વિશેષ સ્થાન મળ્યું છે. વિનોદ ખન્નાને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે, જ્યારે શ્રીદેવીને ફિલ્મ ‘મોમ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જાહેર થયો છે. આસામી ભાષાની ફિલ્મ ‘વિલેજ રોકસ્ટાર્સ’ને શ્રેષ્ઠ રાષ્ટ્રીય ફિલ્મ જ્યારે ‘ન્યૂટન’ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ જાહેર થયો છે.
શ્રીદેવીનું એક સપનું હતું કે તે અભિનય માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મેળવે, પરંતુ આજે આ સપનું સાકાર થયું છે ત્યારે તે હયાત નથી. શ્રીદેવીએ ૫૦ વર્ષમાં ૩૦૦ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં તેણે કામ કર્યું હતું. શ્રીદેવીએ ફિલ્મ ‘મોમ’માં બળાત્કારનો ભોગ બનેલી દીકરીને ન્યાય અપાવવા માટે એકલા હાથે બદલો લેતી માતાનો રોલ કર્યો છે. શ્રીદેવીનું ગત ફેબ્રુઆરીમાં ૫૪ વર્ષની વયે દુબઈમાં મૃત્યુ થયું હતું. વિનોદ ખન્ના ૭૦ અને ૮૦ના દાયકાના સૌથી મોટા સ્ટાર હતા. પૃથ્વીરાજ કપૂર પછી તેઓ બીજા કલાકાર છે, જેમને મરણોપરાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે.
નેશનલ ફિલ્મ એવોર્ડ કમિટીએ આ ઉપરાંત રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’ એટલે કે બાહુબલી-૨ને લોકપ્રિય મનોરંજક ફિલ્મ જાહેર કરી છે. આ ઉપરાંત આ ફિલ્મને સ્પેશિયલ ઈફેક્ટ્સ અને એક્શન ડિરેક્શન કેટેગરીમાં પણ એવોર્ડ મેળવ્યા છે.
ગુજરાતી ભાષાની બેસ્ટ રિજનલ ફિલ્મ ‘ઢ’
‘રોંગ સાઈડ રાજુ’ ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યાના બરાબર એક વર્ષ બાદ ફરી એક વખત ગુજરાતી ફિલ્મ નેશનલ ફિલ્મ એવોર્ડમાં ઝળકી છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ જાહેર થયો છે. હજુ તો આ ફિલ્મ થિયેટર્સમાં રીલિઝ પણ નથી થઈ ત્યાં સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત આ ફિલ્મની દેશભરમાં ચમકી ગઇ છે. ‘ઢ’ ફિલ્મના ડિરેક્ટર મનીષ સૈની મૂળ હરિયાણા છે, પરંતુ વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયા છે અને એનઆઇડીમાં ભણ્યા છે.
‘ઢ’ના સર્જક મનીષ સૈની પોતાના મિત્રો સાથે અમદાવાદમાં એક જાદુનો શો જોવા ગયા હતા. ત્યાં ત્રણ વિદ્યાર્થીઓ સ્કૂલના યુનિફોર્મમાં જાદુનો શો જોવા આવ્યા હતા. આ ત્રણ વિદ્યાર્થીઓના મનમાં શું ચાલતું હશે તેવો તેમને સવાલ થયો અને ‘ઢ’ ફિલ્મના બીજ રોપાયા હતા. આ ફિલ્મ ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત છે. જેમાં ત્રણેય વિદ્યાર્થી મિત્રોને ભણવામાં ડબ્બા અને અન્ય પ્રવૃત્તિઓમાં અવ્વલ દર્શાવ્યા છે. એકેયને ભણવાનું ગમતું નથી. એક મિત્રના વ્હીકલ પર તેઓ ફર્યા કરે છે અને તેમને સ્કૂલમાંથી ચેતવણી પણ અપાય છે કે જો પાસ નહીં થાવ તો ત્રણેયને જુદા કરી દેવામાં આવશે. આ દરમિયાન એક દિવસ ત્રણેય મિત્ર જાદુનો ખેલ જોવા જાય છે અને એવું અનુભવે છે કે જાદુથી બધું થઈ જશે. પરંતુ ફિલ્મમાં એક દાદાનું પાત્ર હોય છે જે આ ત્રણેય વિદ્યાર્થીઓને સાચા રસ્તે વાળવાનો ‘જાદુ’ કરે છે.
ફિલ્મ અંગે મનીષ સૈની જણાવે છે કે, વિશ્વના ૨૦ દેશોના જુદા જુદા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ દર્શાવાઈ છે. ‘ઢ’ ફિલ્મને ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ સહિત અનેક ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે.
વિવિધ કેટેગરી અને એવોર્ડવિજેતા
• બેસ્ટ ફિચર ફિલ્મ: વિલેજ રોકસ્ટાર્સ (આસામી) • બેસ્ટ ડિરેક્ટરઃ જયરાજ (‘ભયાનકમ્’) • બેસ્ટ એક્ટર: રિદ્ધિ સેન (‘નગરકિર્તન’) • બેસ્ટ એક્ટ્રેસઃ શ્રીદેવી (‘મોમ’) • બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ ફહાદ ફઝિલ (‘થોંડીમુથલુમ...’) • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: દિવ્યા દત્તા (‘ઈરાદા’) • બેસ્ટ હિન્દી ફિલ્મ: ‘ન્યૂટન’ • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ: ‘બાહુબલીઃ ધ કન્ક્લુઝન’ • બેસ્ટ રિજનલ ફિલ્મ: ‘ઢ’ (ગુજરાતી)