નવી દિલ્હીઃ વિજ્ઞાન ભવનમાં ત્રીજી મેએ યોજાયેલા ૬૫મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવંગત ફિલ્મ કલાકારો વિનોદ ખન્ના અને શ્રીદેવીને અનુક્રમે દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને શ્રેષ્ઠ અભિનેત્રી (‘મોમ’ ફિલ્મ માટે)ના નેશનલ એવોર્ડથી મરણોપરાંત સન્માનિત કર્યાં હતાં. વિનોદ ખન્નાનો પુરસ્કાર તેમનાં પત્ની કવિતા ખન્ના અને પુત્ર અક્ષય ખન્નાએ જ્યારે શ્રીદેવીનો પુરસ્કાર તેના પતિ બોની કપૂર અને પુત્રીઓ જ્હાનવી અને ખુશીએ સ્વીકાર્યો હતો. જ્હાનવી આ કાર્યક્રમમાં શ્રીદેવીની સાડી પહેરીને આવી હતી. રાષ્ટ્રપતિએ યેસુદાસને બેસ્ટ મેલ પ્લેબેક સિંગર અને એ. આર. રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરના એવોર્ડ પણ એનાયત કર્યાં હતાં. દિવ્યા દત્તાને ‘ઇરાદા’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ અને પંકજ ત્રિપાઠીને ‘ન્યૂટન’ માટે સ્પેશિયલ મેન્શન એવોર્ડ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને રાજ્યવર્ધન સિંહ રાઠૌરે એનાયત કર્યા હતા.