ખ્યાતનામ ગઝલગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. કેન્સરની સારવાર માટે તેઓ મુંબઇની હોસ્પિટલમાં એડમિટ હતા. સૌરાષ્ટ્રના વતની પંકજ ઉધાસ તેમના મખમલી અવાજ માટે જાણીતા હતા. તેમણે અનેક ખ્યાતનામ સર્જકોની રચનાને પોતાના અવાજ થકી દેશમાં જ નહીં, દરિયાપારના દેશોમાં પહોંચાડી હતી. તેમણે અનેક ફિલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો હતો. જેમાં ‘ચીઠ્ઠી આયી હૈ વતન સે...’ ગીત તો આજેય લોકોના હૈયે અને હોઠે રમે છે. પુત્રી નાયાબે પિતાની ચિરવિદાયના સમાચાર સોશિયલ મીડિયા પર આપ્યા હતા. પંકજ ઉધાસે ગાયેલી જાણીતા ગીત-ગઝલમાં ‘નામ’ ફિલ્મના ‘ચિઠ્ઠી આયી હૈ...’ ઉપરાંત ‘આહિસ્તા કિજે બાતૈં...’, ‘જીયેં તો જીયેં કૈસે...’ અને ‘ના કજરે કી ધાર...’ વગેરેનો સમાવેશ થાય છે.
જેતપુરના ચારણ પરિવારમાં જન્મ
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુરમાં ચારણ (ગઢવી) પરિવારમાં થયો હતો. તેઓ ત્રણ ભાઇઓમાં સૌથી નાના હતા. બીજા બે ભાઇઓ મનહર અને નિર્મલ ઉધાસ પણ ગઝલ ગાયક તરીકે આગવી નામના ધરાવે છે. તેમનાં પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન છે. પંકજભાઇએ પ્રારંભિક અભ્યાસ ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનિકમાં કર્યો હતો. જે બાદ પરિવાર મુંબઈ સ્થાયી થતાં તેમણે આગળનો અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો હતો.
દાદા હતા ભાવનગર રાજ્યના દીવાન
તેમના દાદા ગામમાંથી પ્રથમ ગ્રેજ્યુએટ હતા અને ભાવનગર રાજ્યના દીવાન (મહેસૂલ મંત્રી) હતા. જ્યારે પિતા કેશુભાઈ સરકારી કર્મચારી હતા અને તેઓ પ્રખ્યાત વીણાવાદક અબ્દુલ કરીમ ખાનને મળ્યા હતા, જેમણે તેમને દિલરૂબા વગાડતા શીખવ્યું હતું પંકજભાઇએ કરિયરની શરૂઆત 1980માં ‘આહત’ ગઝલ આલ્બમ સાથે કરી હતી. ટૂંક સમયમાં તેઓ ગઝલસંગીતનો પર્યાય બન્યા હતા.