અભિનેત્રી પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે ઉદેપુરમાં રજવાડી ઠાઠમાઠ તથા ધામધૂમ સાથે સંપન્ન થયાં હતાં. આ લગ્નપ્રસંગે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન, સાંસદ સંજય સિંહ, શિવસેના (ઉદ્ધવ)ના નેતા આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ ઉપરાંત પરિણિતીના મિત્રો સાનિયા મિર્ઝા, ક્રિકેટર હરભજન સિંહ તથા તેની પત્ની ગીતા બસરા સહિતની સેલિબ્રિટી હાજર રહી હતી. સંધ્યાકાળે સપ્તપદીના ફેરા ફર્યા બાદ રાતે ઉદેપુરની હોટેલમાં જ પોસ્ટ વેડિંગ પાર્ટી યોજાઈ હતી. મેરેજ રિસેપ્શન હવે ચંડીગઢ તથા દિલ્હીમાં યોજાશે. પરિણિતીની કઝીન અને બોલીવૂડ -હોલીવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ લગ્નમાં હાજર રહી ન હતી. તેણે સોશિયલ મીડિયા પર જ પરિણિતીને શુભેચ્છા પાઠવી હતી. જોકે, પ્રિયંકાની માતા તથા ભાઈ સહિતનો પરિવાર લગ્નમાં હાજર રહ્યા હતાં.
રવિવાર સવારથી લગ્નની જુદી જુદી વિધિઓની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ફરતી થઇ હતી. દુલ્હા-દુલ્હન બંનેને છત્રીઓથી ઢાંકી દેવાયાં હતાં. જોકે, બાદમાં એ પ્રગટ થઈ ગયું હતું કે બંનેએ પોતાના આઉટફિટમાં આઈવરી વ્હાઈટ કલરની થીમ પસંદ કરી છે. બપોરે જયમાળાની વિધિ યોજાઈ હતી. આ પછી સાંજે સંધ્યા ટાણે વરવધૂએ ફેરા ફરીને મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
લગ્ન પહેલાં રાઘવની બારાત શણગારેલી હોડીમાં નીકળી હતી. અરવિંદ કેજરીવાલ રોજિંદા શર્ટ પેન્ટમાં જ આ બારાતમાં સામેલ થયા હતા.
શનિવારે રાત્રે શાનદાર મ્યુઝિકલ પાર્ટી યોજાઈ હતી. લગ્ન સમારોહમાં કડક સુરક્ષા વ્યવસ્થા તથા મહેમાનોના મોબાઈલ કેમેરા પર ટેપ લગાવાઈ હોવાના અહેવાલો છતાં પણ આ મ્યુઝિકલ પાર્ટીના વીડિયો લીક થયા હતા.