અભિનેત્રી પરિણીતિ ચોપરાએ ક્યારેક વિચાર્યું હશે કે તેના મનનો માણિગર ઘોડા કે હાથી પર સવાર થઇને તેને પરણવા આવશે. જોકે, રાઘવે તેનાથી કંઇક અલગ જ વિચાર્યું છે. પરિણીતિને પરણવા માટે રાઘવ હોટલ લેક પેલેસથી હોટલ લીલા સુધી પીછોલા લેકમાં હોડીમાં જાન જોડીને પરણવા આવશે. એટલું જ નહીં, તેના લગ્નમાં એવી ખાસ બાબતો પણ જોવા મળશે, જેના વિશે સાંભળીને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઇ જશે. સૂત્રોના અનુસાર આ પ્રસંગને યાદગાર બનાવવા માટે શાહી શણગાર માટે જાણીતી ‘રોયલ ગણગૌર’ હોડીમાં જાન જશે. પરિણીતિ અને સાંસદ રાઘવના લગ્ન પંજાબી રીતિ-રિવાજ સાથે થશે. હોટલ લીલાને સજાવવા માટે કોલકતા અને દિલ્હીથી ખાસ પ્રકારના ફૂલ મંગાવાયા છે. લગ્નના દિવસે સફેદ રંગના ફૂલનો ઉપયોગ થશે અને હોટેલને પર્લ વ્હાઇટ થીમ પર સજાવવામાં આવશે. આ ઉપરાંત પરિણીતિ અને રાઘવ પર્લ વ્હાઇટની સાથે ગોલ્ડન કલરના કોમ્બિનેશન સાથેના આઉટફિટમાં જોવા મળશે. લેકસિટી ઉદયપુરમાં આ રોયલ વેડિંગ માટે ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પરિણીતિ અને રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરના રોજ લગ્નબંધને બંધાઇ રહ્યા છે, અને હાલ લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.