પરિવારમાં એકેય સુપરસ્ટાર નહીં, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવારઃ કુલ સંપત્તિ રૂ. 10,000 કરોડ!

Tuesday 30th April 2024 12:37 EDT
 
 

ભારતના સૌથી ધનિક વ્‍યક્‍તિઓની યાદી પર તમે નજર ફેરવશો તો તેમને ફિલ્‍મ નિર્માતાઓ અને સ્‍ટુડિયો માલિકોના નામ જોવા મળશે. ભારતના સૌથી ધનિકોની યાદીમાં રોની સ્‍ક્રુવાલા અને કલાનિધિ મારન જેવા ફિલ્‍મ નિર્માતાના નામ છે. તે ફિલ્‍મો અને અન્‍ય વ્‍યવસાયોમાંથી ઘણી કમાણી કરે છે. જોકે સિનેમાની દુનિયામાં ફેમિલી બિઝનેસ આનાથી પણ મોટો હોઈ શકે છે, જેની પુષ્ટિ બોલિવૂડના સૌથી ધનિક પરિવારે કરી છે. આ અમીર પરિવારની સંપત્તિની સરખામણીએ દિગ્ગજ સુપરસ્‍ટાર્સની સંપત્તિ પણ ઓછી છે. બોલિવૂડમાં સૌથી ધનાઢય પરિવારનું બહુમાન જાય છે T-Series ગ્રૂપ ઓફ કંપનીઓના માલિક ભૂષણ કુમાર પરિવારના ફાળે. હુરુન ઈન્‍ડિયા રિચ લિસ્‍ટ ઓફ 2022માં ભૂષણ કુમાર અને તેમના પરિવારની કુલ સંપત્તિ લગભગ રૂ. 10 હજાર કરોડ છે.
T-Series કંપનીના સ્‍થાપક ગુલશન કુમારના પુત્ર ભૂષણ કુમાર હવે પરિવારના વડા છે. ભૂષણ કુમારના કાકા અને અભિનેતા કૃષ્‍ણ કુમાર તેમને બિઝનેસ મેનેજ કરવામાં મદદ કરે છે. ભૂષણ કુમારની બહેન ખુશાલી એક અભિનેત્રી છે, જયારે તેની બીજી બહેન તુલસી પ્રખ્‍યાત ગાયિકા છે. બે બહેનો ઉપરાંત તેમની પત્‍ની દિવ્‍યા ખોસલા કુમાર પણ બિઝનેસમાં હિસ્‍સો ધરાવે છે. 10 હજાર કરોડની સંપત્તિ તેમને બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર બનાવે છે. યશ રાજ ફિલ્‍મ્‍સના માલિક ચોપરા પરિવારની સંપત્તિ 7000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જેનું નેતૃત્‍વ આદિત્‍ય ચોપરા કરે છે. ધર્મ પ્રોડક્‍શનના માલિક કરણ જોહર અને તેમના પરિવારની સંપત્તિ 2000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. બોલિવૂડના ફર્સ્ટ ફેમિલી ગણાતા કપૂર પરિવારે બોલિવૂડને ઘણા સુપરસ્‍ટાર આપ્‍યા છે, પરંતુ તેમની કુલ સંપત્તિ 3000 કરોડ રૂપિયાની આસપાસ છે.
કુમાર પરિવારની સંપત્તિ વિશે એક રસપ્રદ તથ્‍ય એ છે કે તે હિન્દી ફિલ્મઉદ્યોગના સૌથી મોટા સુપરસ્‍ટાર શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનની સંયુક્‍ત નેટવર્થ કરતાં વધુ છે. ધનિક અભિનેતાઓમાં શાહરુખ ખાન સૌથી અમીર ભારતીય અભિનેતા છે, જેની કુલ સંપત્તિ રૂ. 5000 કરોડ છે. પછીના ક્રમે સલમાન ખાન છે, જેની કુલ સંપત્તિ રૂ. 2900 કરોડ છે, જયારે આમીર ખાનની નેટવર્થ 1800 કરોડ રૂપિયા છે. ત્રણેયની કુલ સંપત્તિ 9700 કરોડ રૂપિયા છે, જે ભૂષણ કુમારના પરિવારની સંપત્તિ કરતાં થોડી ઓછી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter