ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે પેશાવરમાં આવેલી કપૂર ખાનદાનના પૂર્વજોની હવેલીને મ્યુઝિયમમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. પેશાવરના કિસ્સા ખ્વાની બાઝારમાં આવેલી આ હવેલીને મ્યુઝિયમમાં ફેરવવા કપૂર પરિવારના વંશજ રિશી કપૂરે પાકિસ્તાન સરકારને વિનંતી કરી હતી, જેના પગલે તેણે આ નિર્ણય લીધો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહેમૂદ કુરેશીએ પ્રવાસી ભારતીય મીડિયાને જણાવ્યું કે રિશી કપૂરે હવેલીના સ્થળે કોઈ મ્યુઝિયમ કે ઇન્સ્ટિટ્યૂશન શરૂ કરવા વિનંતી કરી હતી. જેને અમે સ્વીકારી છે. ‘કપૂર હવેલી’ પૃથ્વીરાજ કપૂરના પિતા બશેશ્વરનાથ કપૂરે બંધાવી હતી. પૃથ્વીરાજના પુત્ર અને હિન્દી ફિલ્મોના શો મેન રાજકપૂરનો જન્મ ૧૯૨૪ની ૧૪ ડિસેમ્બરે પેશાવરમાં જ થયો હતો. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા તે વખતે કપૂર પરિવારે પેશાવર છોડ્યું હતું.