બોલિવૂડના ફિલ્મમેકર અને ‘બજરંગી ભાઈજાન’ના દિગ્દર્શક કબીર ખાન કરાચીમાં એક કાર્યક્રમમમાં વક્તા તરીકે હતા. કબીર ખાન જ્યારે લાહોર જવા માટે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. કબીર ખાન પર પાકિસ્તાનવિરોધી ફિલ્મ બનાવવાનો આરોપ મુકાયો હતો. તેને જૂતાં બતાવવામાં આવ્યાં હતાં અને તેની સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. કબીર ખાનની સામે અશ્લિલ ઇશારા સાથે શેમ-શેમના નારા પણ લાગ્યા હતા. આ લોકોએ કહ્યું હતું કે, આ અમારો દેશ છે અને અમારા દેશની વિરુદ્ધ ફિલ્મો બનાવવી ખોટું છે. આ ટોળાએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.
ટોળાનું કહેવું હતું કે, કબીર ખાન પોતાની ફિલ્મોમાં પાકિસ્તાનને આતંકવાદને સમર્થન આપતો દેશ દર્શાવે છે. કબીર ખાન ચાર દિવસ માટે કરાચી ગયો હતો. તે લાહોરની ફ્લાઇટ પકડવા કરાચી ગયો ત્યારે તેણે પ્રદર્શનકારીઓનો સામનો કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે, કબીર ખાન, તું ભારતીય ગુપ્તચર એજન્સી રોની પાકિસ્તાનમાં વિનાશક પ્રવૃત્તિઓ પર ફિલ્મ બનાવ. આ વિરોધ વચ્ચે કબીર ખાન મૂંઝવણમાં દેખાતો હતો. કબીર ખાનને તેની આગામી ફિલ્મ ‘ફેન્ટમ’ને કારણે પાકિસ્તાનમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ ફિલ્મ પર પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યો છે.
કબીર ખાને જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે તેણે કહ્યું હતું કે, ‘હું પાકિસ્તાન આવીને ખૂબ ખુશ છું. સાચે જ હું આ પ્રવાસનો આનંદ માણી રહ્યો છું. કમનસીબે આ પ્રવાસ બહુ ટૂંકી છે. અહીંના લોકોને મળીને મને ખૂબ આનંદ થયો છે.’