‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથ સાથ હૈ’ જેવી બોક્સઓફિસ હિટ ફિલ્મો આપનારા ફિલ્મમેકર સૂરજ બડજાત્યાની નવી ફિલ્મ છે, ‘પ્રેમ રતન ધન પાયો’. બરજાત્યાના રાજશ્રી ફિલ્મ્સ બેનરનો પસંદીદા હીરો સલમાન ખાન આ ફિલ્મમાં પણ પ્રેમ નામ સાથે જ ચમક્યો છે, જોકે આ ફિલ્મમાં તેનો અવતાર નવો છે. ફિલ્મની વાર્તાનો આરંભ અયોધ્યાથી થાય છે. પ્રેમ દિલવાલા (સલમાન ખાન) અયોધ્યામાં રામલીલા ગ્રુપ ચલાવતો હોય છે. રામલીલા મોઢે હોવાની સાથે સાથે ભગવાન રામના ગુણો પણ તેણે જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો હોય છે. એ કાયમ બીજાનું ભલું કરનારો અને પોતાની મસ્તીમાં રહેનારો માણસ હોય છે અને વણજોઈતું નવ સંઘરવાના નિયમને અનુસરતાં એ પોતાની પૂરેપૂરી કમાણી રાજકુમારી મૈથિલી (સોનમ કપૂર)ના ચેરિટેબલ ટ્રસ્ટને દાનમાં આપી દેતો હોય છે. બીજી તરફ ફિલ્મની હિરોઈન મૈથિલી પણ સાદું જીવન જીવવામાં માનતી હોય છે અને સાદગીભર્યું જીવન જીવવા પ્રયાસ કરતી હોય છે. પ્રેમ એક વખત મૈથિલીને મળવાનો પ્રયત્ન કરે છે અને તેના મિત્ર કન્હૈયા (દીપક ડોબરિયાલ)ની સાથે મૈથિલીના રાજમહેલમાં જાય છે. મૈથિલી પ્રેમને ખૂબ જ ભાવથી આવકારે છે. પ્રેમને મૈથિલીનો લોકોની મદદ કરવાનો સ્વભાવ ખૂબ જ ગમી જાય છે. પ્રેમ પોતાની કમાણી હંમેશાં મૈથિલીના ચેરિટેબલ ટ્રસ્ટને આપતો રહેશે એ નિર્ણય સાથે મૈથિલીની વિદાય લે છે. એ પછી થોડા જ દિવસોમાં પ્રેમને મૈથિલીને મળવાનો ફરી મોકો મળે છે. પરંતુ, ત્યાં જ વાર્તામાં એક અનોખો વળાંક આવે છે.