બોલિવૂડના શાનદાર અભિનેતા સુનીલ શેટ્ટીએ એક કાર્યક્રમમાં પોતાના જીવનસંઘર્ષ વિશે વાત કરી હતી. સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે મારા પિતા ભાગીને મુંબઈ આવ્યા હતા. તે વખતે તેઓ એક રેસ્ટોરાંમાં ટેબલ સાફ કરવાનું કામ કરતા હતા. તેમણે જે ત્રણ જગ્યાએ કામ કર્યું હતું તે તમામ જગ્યાઓના માલિક આજે સુનીલ શેટ્ટી છે. ભારતી અને હર્ષ લિંબાચિયાના શોમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતં કે મારા પિતા નવ વર્ષની વયે મેંગલોરથી ભાગીને મુંબઈ આવ્યા હતા. મારા પિતાના પિતા હયાત નહોતા, પરંતુ તેમને ત્રણ બહેનો હતી. મારા પિતા માત્ર 9 વર્ષની વયે એક સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંમાં કામે લાગી ગયા હતા, જ્યાં તેમનું કામ ટેબલ સાફ કરવાનું હતું. તેઓ નાના હતા અને ટેબલ સાફ કરવા તેમણે ચાર વાર તેના ચક્કર લગાવવા પડતા હતા. તેઓ ચોખાની ગુણ પર સૂઈ જતા હતા. મારા પિતાએ મહેનત અને લગનથી કામ કર્યું હતું અને તે કારણે તેમનો પ્રગતિ થઇ ગઇ. પિતાના બોસે ત્રણ બિલ્ડિંગ ખરીદી ત્યારે તેમને તે બિલ્ડિંગ્સના મેનેજર બનાવી દીધા હતા અને બોસ રિટાયર થયા ત્યારે આ ઇમારત અમે ખરીદી લીધી હતી.