બોલિવૂડના જાણીતા કલાકાર સઈદ જાફરીનું ૮૬ વર્ષની જૈફ વયે ૧ ૬મી નવેમ્બરે મુંબઈ ખાતે નિધન થયું હતું. જાફરીએ ‘ગાંધી’, ‘દિલ’, ‘રામ તેરી ગંગા મેલી’ જેવી સુપરહિટ ફિલ્મોમાં મહત્ત્વની અને યાદગાર ભૂમિકા અદા કરી હતી. સઈદ જાફરીની ભાણી શાહિન અગ્રવાલે ફેસબુક મારફતે ઘટનાની જાણકારી આપી હતી. પંજાબના માલેર કોટલામાં વર્ષ ૧૯૨૯માં જન્મેલા સઈદ જાફરીએ ફિલ્મ 'શતરંજ કે ખિલાડી'માં પોતાના ઉમદા અભિયનથી ફિલ્મી દુનિયાને અભિનયનો પરચો બતાવ્યો હતો. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો 'ફિલ્મફેર એવોર્ડ' મળ્યો હતો. તે ઉપરાંત 'રામ તેરી ગંગા મેલી' અને 'હિના' જેવી ફિલ્મોમાં સહાયક અભિનેતા તરીકે જાફરી ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થયા હતા. જાફરીએ માત્ર બોલિવૂડ પૂરતી જ પોતાની અભિનય કલાને સીમીત ન રાખતા બ્રિટિશ ફિલ્મો પણ કરી હતી. જાફરીએ અભિનેત્રી મેહરૂનિસા (મધુ જાફરી) સાથે લગ્ન કર્યાં હતાં અને લગ્નજીવનથી ત્રણ દીકરીઓ મીરા, ઝીઆ અને સકીન છે. જોકે, વર્ષ ૧૯૬૫માં લગ્નનો અંત આવી ગયો હતો.