તીસ સાલ બાદ...
ભારતીય સંગીત જગતની બે દિગ્ગજ ગાયિકા બહેનો લતા મંગેશકર અને આશા ભોસલે ૩૦ વર્ષ બાદ એકસાથે કામ કરી રહ્યાં છે. જોકે આ બંને બહેનો એકસાથે કોઇ ગીત નહીં ગાય. વાત એમ છે કે લતા મંગેશકર પોતાની બહેન આશા ભોસલેનું એક ગીત પ્રોડ્યુસ કરી રહ્યાં છે. ‘એ હવા...’ ગીતમાં આશા ભોસલેએ શાન સાથે સ્વર આપ્યો છે. જેને લતા મંગેશકરની કંપની એલએમ મ્યુઝિક પ્રોડ્યુસ કરી રહી છે. આ ગીત ગયા સપ્તાહે રિલીઝ થયું છે. લતા-આશાએ એક સાથે છેલ્લે ૧૯૮૪માં ‘ઉત્સવ’ ફિલ્મ માટે ‘મન ક્યું બહેકા...’ ગીતા ગાયું હતું. લતા મંગેશકરે બહેન સાથે કામ કરવા અંગે કહ્યું હતું કે, મારી બહેન સાથે ફરી કામ કરવવું મારા માટે ખુશીની વાત છે. તેની સાથે ગાવાનું મારા માટે હંમેશા પડકારજનક રહ્યું છે.
દિલીપસા’બની તબિયત સુધરી, સાધનાની કથળી
નાદુરસ્ત તબિયતને કારણે મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરાયેલા દિલીપ કુમારને તેમના જન્મદિને જ ત્યાંથી રજા મળી છે. દિલીપ કુમારને ન્યુમોનિયા થયો હતો. ૧૧ ડિસેમ્બરે હોસ્પિટલમાંથી વિદાય પહેલાં પણ હોસ્પિટલના સ્ટાફે દિલીપ સાહેબ માટે હેપ્પી બર્થ ડે ટુ યુ... ગાયું હતું. હોસ્પિટલ બહાર ચાહકોએ પણ શુભેચ્છા પાઠવી હતી. જીવનસાથી સાયરાબાનોએ કહ્યું કે, ‘ચાહકોની દુઆઓ કામ લાગી. સાહેબ જન્મદિને ઘેર આવી રહ્યા છે. મારી માનતા ફળી.’
બીજી તરફ, વીતેલા જમાનાનાં વિખ્યાત અભિનેત્રી સાધનાની તબિયત કથળી છે. ગત સપ્તાહે એશિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ઓન્કોલોજીમાં સાધના પર નવ કલાક સુધી સર્જરી કરાઇ છે. તેમના પર સર્જરી કરનાર ઓન્કોલોજીસ્ટ ડો. દિપક પરીખે તેમના દર્દી વિશે વધુ માહિતી આપવાની ના પાડી હતી, પણ એટલું જણાવ્યું હતું કે તેમના ફિલ્મસ્ટાર દર્દીની હાલત સ્થિર છે. તેમણે સાધનાને ક્યારે રજા આપવામાં આવશે તે વિશે કશું જણાવ્યું ન હતું. ૭૩ વર્ષનાં સાધના જાહેરમાં ખૂબ જ ઓછા દેખાય છે. જેને સમર્થન મળ્યું નથી તેવા હેવાલો અનુસાર તેમના પર મોંના કેન્સરને દૂર કરવા માટે શસ્ત્રક્રિયા કરાઇ છે. તેમના મોંમાથી આંતરિક રક્તસ્ત્રાવ બંધ થતો નથી તેમ આ સૂત્રે જણાવ્યું હતું. જોકે આ અહેવાલને કોઇ સત્તાવાર સમર્થન મળતું નથી.