એક્ટ્રેસ-મોડેલ પૂનમ પાંડે છેલ્લા કેટલાક દિવસથી સમાચારોમાં છવાયેલી છે. બીજી ફેબ્રુઆરીએ પૂનમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સર્વાઇકલ કેન્સરથી તેનું મૃત્યુ નીપજ્યાના સમાચાર આવ્યા હતા. આ પછી બીજા દિવસે પૂનમે વીડિયો શેર કરીને પોતે જીવિત હોવાનું કહ્યું હતું. પૂનમે ખોટા ન્યૂઝ ફેલાવવા બદલ માફી માગી હતી અને આમ કરવા પાછળનું કારણ પણ જણાવ્યુ હતું. જોકે પૂનમના આ નાટ્યાત્મક પગલાને અનેક લોકોએ પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યું હતું.
પોતાના જ મૃત્યુના સમાચાર પોતે જ વાઈરલ કર્યા બાદ પૂનમ પાંડેએ વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, મારા કારણે ઘણા લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા અને તેમની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ દુઃખ છે. જોકે મારો ઈરાદો સર્વાઈકલ કેન્સર પર વાત કરવાનો છે. મેં મારા નિધનના ખોટા સમાચાર ફેલાવ્યા હતા, તે વધારે પડતું છે. જોકે ત્યારબાદ દરેક જગ્યાએ સર્વાઈકલ કેન્સરની વાત થવા માંડી છે. આ એક એવી બીમારી છે, જે ચૂપચાપ વ્યક્તિનો જીવ લઈ લે છે અને તેને સ્પોટ લાઈટ કરવાની જરૂર છે.
પૂનમે વધુમાં કહ્યું હતું કે, સર્વાઈકલ કેન્સરે હજારો મહિલાઓનો જીવ લીધો છે, પરંતુ તે સર્વાઈકલ કેન્સરથી નહીં મરે. તેની સારવાર પણ છે અને તેની વેક્સિન પણ છે. આ બીમારીથી કોઈનો પણ જીવ ન જાય તે આપણે સુનિશ્ચિત કરવું જોઈએ. આ બીમારીના વિનાશકારી પ્રભાવને દૂર કરવા આપણે સૌએ ભેગા મળીને પ્રયાસ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડેના નિધનના સમાચાર બાદ સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સથી માંડી અનેક સેલિબ્રિટીઝે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ બધું થયા પછી પૂનમે જાતે જ આ બાબતે સ્પષ્ટતા કરતાં અનેક લોકો ગુસ્સે ભરાયા હતા અને શોક સંદેશાની પોસ્ટ ડિલીટ કરી હતી. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને પૂનમ પાંડે સામે પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરવા માટે અરજી આપી હતી. પૂનમના આ ફેક ન્યૂઝને તેના મેનેજરે પણ કન્ફર્મ કર્યા હતા. આ પ્રકારની હરક્તથી અનેક લોકોને લાગણી દુભાઈ છે અને તેનો હેતુ માત્ર પબ્લિસિટી મેળવવાનો હતો.