સમાજમાં પ્રવર્તમાન વિષયોને મેઇનસ્ટ્રીમ સિનેમામાં અદભુત રીતે આલેખનારા લેખક-નિર્દેશક આર. બાલ્કીની હલકી ફુલકી ફિલ્મ ‘કિ એન્ડ કા’માં એક સામાજિક સંદેશ હોવા છતાં ફિલ્મ ભારે ભરખમ નથી.
વાર્તા રે વાર્તા
દિલ્હીના એક નામાંકિત બિલ્ડર કુમાર બંસલનો એકનો એક એમબીએ ટોપર દીકરો કબીર (અર્જુન કપૂર) અંગત જિંદગીમાં પિતાએ માતાને સામાન્ય ગૃહિણી કહીને વારંવાર માતાનું દિલ દુભાવવાથી ખિન્ન છે. દસ વર્ષ પહેલાં મૃત્યુ પામેલી ગૃહિણી માતાને કબીર એક ઉત્કૃષ્ટ આર્ટિસ્ટ માને છે અને પોતે પણ માતાની જેમ જ ઘર સંભાળવાની કળાને જ જીવનભાર માટે અપનાવવા માગે છે. ઘર સંભાળતો પતિ બનવા માગતા કબીરની મુલાકાત કિયા (કરીના કપૂર) સાથે થાય છે. કિયા એક કંપનીમાં માર્કેટિંગ મેનેજર હોય છે અને કોર્પોરેટ જગતમાં પોતાનું નામ કરવા ઇચ્છતી મહત્ત્વાકાંક્ષી છોકરી છે. કબીર અને કિયાની દોસ્તી પછીથી સમજદારીથી લગ્નબંધનમાં પરિણમે છે. નોર્મલ લગ્નસંબંધ કરતાં તેમનું લગ્નજીવન અલગ છે તેવું આજુબાજુમાં વસતા સાથી સંબંધીઓને સમજાવવામાં બંને સફળ રહેતા જાય છે, પણ કબીરની વિચારધારાથી સમાજમાં તેનું નામ થવા માંડે છે ત્યારે કિયામાં ઇર્ષ્યાની લાગણી જન્મે છે. જોકે અંતે કિયાને તેની એનજીઓ ચલાવતી માતા (સ્વરૂપ સંપત) સમજાવવામાં સફળ જાય છે કે તે અભિમાનનો શિકાર બની છે અને કબીર તેનો સાથી છે સ્પર્ધક નહીં ત્યારે કિયાને પોતાની ભૂલ સમજાય છે અને પછી કિ એન્ડ કા પરિવાર સહિત નવી જિંદગીની ફરી શરૂઆત કરે છે.
અંગત જીવનમાંથી પ્રેરણા
ફિલ્મના ડિરેક્ટર આર બાલ્કીએ આ ફિલ્મ વિશે કહ્યું છે કે, રિયલ લાઇફમાં મને ઘર સંભાળવામાં વધુ ફાવટ છે જ્યારે મારાં પત્ની અને ફિલ્મમેકર ગૌરી શિંદે સંપૂર્ણ રીતે કારકિર્દીલક્ષી છે. એના પરથી જ મને આ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો છે. બાલ્કીએ આ ફિલ્મમાં વૈવાહિક જીવન સાથે જોડાયેલી જવાબદારીઓ અને અધિકારોને હળવી રીતે રજૂ કરી છે. અર્જુન કપૂર અને કરીના કપૂરનો અભિનય વખાણાયો છે. અમિતાભ અને જયા બચ્ચન પોતાના જ પાત્રને ભજવી કથાને ગતિ આપે છે. સંગીત ઇલિયારાજાનું છે પણ એટલું પ્રભાવક નથી એમ વિવેચકોએ જણાવ્યું છે.