હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર દેવ કોહલી (81)નું શનિવારે મુંબઇમાં અવસાન થયું છે. દેવ કોહલીએ સલમાન ખાન સ્ટારર ‘હમ આપકે હૈ કૌન’, ‘મૈને પ્યાર કિયા’, ‘બાઝીગર’ જેવી ફિલ્મો માટે સુપર હીટ ગીતો લખ્યા હતા. દેવ કોહલી કવિ પણ હતા. ‘કાલી કાલી આંખે...', ‘માઈ ને માઈ મુંડેર પે તેરી...’ અને ‘ઓ સાકી સાકી' જેવા બ્લોકબસ્ટર ગીતો દેવ કોહલીની કલમે લખાયા હતા. પાકિસ્તાનના રાવલપિંડીમાં જન્મેલા દેવ કોહલીનું બાળપણ દેહરાદૂનમાં વીત્યું. 1949માં તેઓ દિલ્હી શિફ્ટ થયા, વર્ષ 1964માં તેઓ માયાનગરી મુંબઈ આવ્યા. 1969માં ફિલ્મ ગુંડા દ્વારા તેમણે ગીતો લખવાનું શરૂ કર્યું. જો કે 1971માં રિલીઝ થયેલી ફિલ્મ લાલ પથ્થરનાં ગીત ‘ગીત ગાતા હૂં મૈં’થી તેમને સફળતા મળી હતી.
તેઓ છેલ્લાં કેટલાક મહિનાઓથી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની તબિયત સારી ન હતી અને 26 ઓગસ્ટનાં રોજ સવારે ઊંઘમાં જ તેમનું અવસાન થયું હતું.
દેવના આકસ્મિક નિધનથી સમગ્ર બોલિવૂડને આઘાત લાગ્યો છે. દેવે અનુ મલિક, રામ લક્ષ્મણ, આનંદ રાજ અનંદ, આનંદ મિલિંદ અને તેમના જેવા સંગીત નિર્દેશકો સાથે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.
કારકિર્દીમાં તેમણે ઘણી હિટ ફિલ્મોમાં 100થી વધુ ગીતો લખ્યા હતા. જેમાં ‘મૈંને પ્યાર કિયા’ અને ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે છેલ્લે જે ફિલ્મ માટે ગીતો લખ્યા હતા તે કંગના રનૌતની ફિલ્મ ‘રજ્જો’ હતી. આ ફિલ્મનું સંગીત ‘ગદરઃ એક પ્રેમ કથા'ના સંગીતકાર ઉત્તમ સિંહે આપ્યું હતું.