વેલેન્ટાઇન્સ ડે પર જાણીતા એક્ટર પ્રતીક બબ્બરે એક્ટ્રેસ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યાં છે. સ્મિતા પાટિલ અને રાજ બબ્બરના દીકરા પ્રતીકે માત્ર પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એક નાની ઉજવણી કરીને પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. પોતાની માતાની યાદમાં પ્રતીકે સ્મિતા પાટિલે મુંબઇના બાંદ્રામાં ખરીદેલાં પોતાના ઘરમાં લગ્ન કર્યાં હતા, જે તેના માટે એક ઘણી અંગત અને ભાવુક ક્ષણો હતી. પ્રતીકે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતાં લખ્યું હતું, ‘અમારી ઇચ્છા ઘરમાં એક લગ્નની હતી, મારી માએ ખરીદેલું પોતાનું અને મારું ઘર, તેમાં મારા જીવનના મારા પ્રેમ સાથે લગ્ન કરીને મારી માના આત્માને સન્માન્વાનો શ્રેષ્ઠ વિકલ્પ હતો.” લગ્નમાં પ્રતીક અને પ્રિયંકા બંનેએ તરુણ તાહિલિયાનીના ઓફ વ્હાઇટ આઉટફિટ પહેર્યાં હતાં. પ્રિયાએ આ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું, ‘દરેક જીવનમાં હું તને જ પરણીશ.’ આ લગ્નની સૌથી ધ્યાન ખેંચનારી વાત એ હતી કે આ લગ્ન સમારોહમાં બબ્બર પરિવારનો એક પણ સભ્ય હાજર નહોતો. પિતા રાજ બબ્બર, ભાઈ આર્યન બબ્બર કે બહેન જૂહી બબ્બરને આ લગ્નમાં આમંત્રણ નહોતું! ભાઇ આર્યન બબ્બરે આ મુદ્દે એક નિવેદનમાં કહ્યું હતું, ‘બબ્બર પરિવારમાંથી કોઈને આમંત્રણ નહોતું, મારા પિતાને પણ નહીં. મને લાગે છે, કોઈએ એના મગજમાં કંઈક બહુ વધારે અસર કરી છે. તે પરિવારમાંથી કોઈનો સંપર્ક પણ કરવા માગતો નથી.’ પ્રતીકના આ બીજા લગ્ન છે, આ પહેલાં તેણે સાન્યા સાગર સાથે લગ્ન કર્યાં હતાં.