મુંબઈ: ટેલિસ્ટાર પ્રત્યુષા બેનર્જીએ આત્મહત્યા કર્યા પછી તેના કેસની તપાસ આગળ વધતાં તેના બોયફ્રેન્ડ રાહુલરાજની પૂછપરછ થઈ રહી છે. રાહુલે તાજેતરમાં જ કહ્યું છે કે, પ્રત્યુષા ગર્ભવતી હતી. જે. જે. હોસ્પિટલના અહેવાલમાં પણ એવું સ્પષ્ટ થયું છે કે પ્રત્યુષા ગર્ભવતી હતી. આ અભિનેત્રીએ આત્મહત્યાના એક દિવસ પહેલાં ગર્ભપાત કરાવ્યો હતો એમ ડોક્ટરોએ જણાવ્યું છે. પહેલી એપ્રિલના રોજ પ્રત્યુષાએ આત્મહત્યા કરી હતી. એ સમયે અનેક લોકોએ એ ગર્ભવતી હોવાનો દાવો કર્યો હતો.
જે. જે. હોસ્પિટલમાં પ્રત્યુષાના ગર્ભાશયના ટિશ્યુઓની હિસ્ટોપેથોલોજી ટેસ્ટ કરવામાં આવી હતી. એ પછી આ ખુલાસો થયો હતો. એક અંગ્રેજી વર્તમાનપત્રના સમાચાર અનુસાર ડોક્ટરોના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પ્રત્યુષા કેટલાક દિવસો કે કેટલાક મહિનાઓ પૂર્વે ગર્ભવતી થઈ હતી. પ્રત્યુષાના ગર્ભાશયમાં સેકન્ડરી ઇન્ફેકશન અને કેટલાક જખમ મળી આવ્યા હતા.
પ્રત્યુષા ગર્ભવતી હતીઃ રાહુલ
પોલીસ પૂછપરછમાં પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલ રાજસિંહે કબૂલ્યું કે પ્રત્યુષા ગર્ભવતી હતી પણ ગર્ભપાત માટે તે એકલી ગઈ હતી. ઘણા સમય પહેલાથી ગર્ભવતી હતી અને જાન્યુઆરીમાં જ તેણે ગર્ભપાત કરાવવાનો નિર્ણય કર્યો હતો. એ વાત પણ સામે આવી છે કે રાહુલનો ડી.એન.એ. ટેસ્ટ થઈ શકે છે. તેમાંથી એ જાણકારી મળી શકશે કે પ્રત્યુષાના ગર્ભમાં જે બાળક હતું તેનો પિતા તે હતો કે નહીં? તો બીજી તરફ પ્રત્યુષાનો પરિવાર હાઈ કોર્ટમાં પહોંચી ગયો છે.
પ્રત્યુષાની હત્યા થઈ હતીઃ પ્રત્યુષાની માતા
હાઈ કોર્ટમાં દાખલ કરેલી પોતાની પીટિશનમાં પ્રત્યુષાની માતાએ આરોપ મૂકયો છે કે અમે પોલીસને જણાવ્યું હતું કે, પ્રત્યુષાની હત્યા થઈ છે તેમ છતાં પણ આપઘાતનો કેસ નોંધવામાં આવ્યો. પરિવારે કોર્ટ સમક્ષ માંગણી કરી છે કે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચ પાસે કરાવવામાં આવે.