મુંબઈ: લોકપ્રિય ટીવી સિરિયલ ‘બાલિકાવધૂ’માં આનંદીનું પાત્ર ભજવી દર્શકોના દિલ પર રાજ કરનારી પ્રત્યૂષા બેનર્જીએ ગોરેગામના ભગતસિંહનગરમાં આવેલા ભાડાના નિવાસસ્થાને પહેલી એપ્રિલે બપોરે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ૨૪ વર્ષની પ્રત્યૂષાને તરત જ અંધેરી વેસ્ટમાં આવેલી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી જ્યાં તેને ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રત્યૂષાનો સ્વભાવ ગરમ હતો અને આનંદીના પાત્ર પછી તેની પાસે કોઇ ખાસ કામ નહોતું. જોકે તેની મિત્ર અભિનેત્રી કામિયા પંજાબીએ એવું નિવેદન આપ્યું છે કે પ્રત્યૂષાને કહેવાઈ રહી છે એટલું કામ ન હોય તેવું નહોતું. તેની પાસે એક સિરિયલની ઓફર સહિત ઘણા શોઝ હતા. છેલ્લે પ્રત્યૂષા ‘સસુરાલ સિમર કા’માં ડાયનના પાત્રમાં દેખાઈ હતી. નાણાકીય ભીડ અને બોયફ્રેન્ડ રાહુલ સાથેના ઝઘડાને પગલે તેણે આત્મહત્યા કરી હોવાનું મનાય છે. રાહુલરાજ સિંહ સાથે લિવ ઇન રિલેશનશિપમાં હતી અને ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા. પોલીસ હાલમાં રાહુલની પૂછપરછ કરી રહી છે દરમિયાન રાહુલ ડિપ્રેસ થતાં તેનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું અને ત્રીજી એપ્રિલે તેને તાત્કાલિક મેડિકલ સારવાર અપાયા બાદ ફરી તેની પોલીસ પૂછપરછ શરૂ થઈ છે.
સતત ૧૪ કલાક પૂછપરછનો સામનો કરનારા રાહુલની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પ્રત્યૂષાના પોસ્ટમોર્ટમ અહેવાલ અને અભિનેત્રી સાથે સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછમાં રાહુલના પિતા હર્ષવર્ધનસિંહે પોલીસ સમક્ષ નિવેદનમાં અનેક ખુલાસા કર્યાં છે. બીજી તરફ પ્રત્યુષા ગર્ભવતી હોવાનો દાવો પણ ટીવી ચેનલના અહેવાલોમાં કરાયો હતો.
રાહુલના પિતા હર્ષવર્ધને પોલીસને કહ્યું કે, પ્રત્યુષાએ માતા-પિતા માટે રૂ. ૫૦ લાખનું કરજ લીધું હતું અને તે બાબતથી તે પરેશાન રહેતી હતી એટલું જ નહીં, માતા-પિતા સામે કેસ પણ કરવાની હતી.
તેમણે કહ્યું કે પ્રત્યૂષા રાહુલ સાથે લગ્ન કરવા માગતી હતી. ઘટના પહેલાં તેણે તેના ફ્લેટ પર એક પાર્ટી પણ આપી હતી. રાહુલ દસ વર્ષથી મુંબઈમાં રહેતો હતો અને પ્રત્યૂષા સાથેના સંબંધોને લઈને ગંભીર હતો.
હર્ષવર્ધને કહ્યું કે તે સારું એવું કમાતી હોવા છતાં આર્થિક તંગીનો સામનો કરતી હતી. તેની પાસે પોતાનું કોઈ ખાતું પણ ન હતું. માતા-પિતા બધી રકમ લઈ લેતા હતા.