પ્રસિદ્ધ નિર્માતા અને સિનેમેટોગ્રાફર ગંગુ રામસેનું રવિવારે 83 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લાં એક મહિનાથી બીમાર હતા. હોરર ફિલ્મો માટે જાણીતા રામસે બ્રધર્સમાંના એક ગંગુ રામસે નિર્માતા એફ.યુ. રામસેના બીજા નંબરના પુત્ર હતા. તેમણે કારકિર્દીમાં 50થી વધુ ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરી હતી, જેમાં ‘વીરાના’, ‘પુરાના મંદિર’, ‘બંદ દરવાજા’, ‘દો ગજ જમીન કે નીચે’, ‘તહખાના’, ‘પુરાની હવેલી’, ‘સામરી’ અને ‘ખોજ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બોલિવૂડમાં રામસે બ્રધર્સ (સાત ભાઇઓ) 1970થી 1980ના દાયકા દરમિયાન બી ગ્રેડની હોરર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. 1972માં ‘દો ગજ જમીન કે નીચે’ ફિલ્મથી રામસે બ્રધર્સે શરૂઆત કરી હતી. આ સાથે ભારતીય હોરર ફિલ્મ ઉદ્યોગની શરૂઆત થઈ હતી એમ કહી શકાય. ગંગુ રામસેએ સૈફ અલી ખાનની પ્રથમ ફિલ્મ ‘આશિક આવારા’ માટે અને અક્ષયકુમારની અનેક ફિલ્મો માટે કામ કર્યું હતું, જેમાં ‘ખિલાડીઓં કા ખિલાડી’, ‘સબસે બડા ખિલાડી’, ‘મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી’નો સમાવેશ થાય છે.