ટીવી અભિનેત્રી પ્રત્યૂષા બેનર્જીના કથિત આત્મહત્યાના કેસથી ફરી એક વખત સ્ટાર્સની આત્મહત્યાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. અગાઉ પણ જિયા ખાન, સિલ્ક સ્મિતા, દિવ્યા ભારતી અને પરવીન બાબી જેવી તેમના જમાનાની પ્રખ્યાત અભિનેત્રીઓના મોત શંકાસ્પદ બનેલાં રહ્યાં છે ત્યારે પ્રિયંકા ચોપરાના પૂર્વ મેનેજર પ્રકાશ જાજુએ ટ્વિટ કર્યું છે કે, એક સમયે પ્રિયંકાએ પણ આત્મહત્યાના પ્રયત્નો કર્યા હતા.
પ્રકાશે તેના ટ્વિટર હેન્ડલ (@prakashjaaju) પર બીજી એપ્રિલે લખ્યું હતું કે, પ્રિયંકા પણ તેના સંઘર્ષના દિવસોમાં ઘણી જ નબળી પડી ગઈ હતી. આ દરમિયાન તેણે ૨-૩ વખત આત્મહત્યાના પ્રયત્ન કર્યા હતા. પ્રકાશે પ્રિયંકા અને તેના બોયફ્રેન્ડ અસીમ મર્ચન્ટ વચ્ચેના ઝઘડાની ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે રાત્રે ૨-૨, ૩-૩ વાગ્યે પ્રિયંકા મને રડતાં રડતાં કોલ કરતી હતી અને હું તેને અસીમના ઘરની નીચે પોતાની કારમાં લઈને આવતો હતો. પ્રકાશે લખ્યું છે કે, એક વખત પ્રિયંકા ઝઘડા બાદ આત્મહત્યા કરવા માટે કાર લઈને વસઈ જતી રહી હતી અને એક વખત ઈમારતની આગાસીમાંથી કૂદવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ મેં બચાવી લીધી. એક વખત તો પ્રિયંકાને ખુરશી સાથે બાંધી દીધી હતી.