મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો કોન્ડે નાસ્ટ ટ્રાવેલર મેગેઝિનના કવર પેજ પર રેફ્યુજી, ઈમિગ્રન્ટ, આઉટસાઈડર અને ટ્રાવેલર જેવા શબ્દો લખેલી ટી-શર્ટ વાળો ફોટો તાજેતરમાં છપાયો હતો. જે કેટલાક લોકોને ગમ્યું ન હતું. આ ઘટનાને સોશિયલ મીડિયા પર અસંવેદનશીલ ગણાવી પ્રિયંકાની ટીકા થઈ રહી છે. કેટલાકે આ શબ્દોમાંના પ્રથમ ત્રણ શબ્દો છેકી નાંખવાની માગ કરી છે.
આ કવર પેજને પ્રિયંકાએ પોસ્ટ કરતાં ટ્વિટર પર લખ્યું છે કે, મારું નવું કવર પેજ. તમારો આભાર સીએનટી ઈન્ડિયા, પણ કેટલાક ટ્વિટર યુઝર્સે આ કવરપેજની ભારે ટીકા કરી છે. એક યુઝરે ટ્વિટર પર પ્રિયંકાની ટ્વિટની કમેન્ટમાં લખ્યું કે મને માફ કરશો. મને ખબર ન હતી કે શરણાર્થી બનવું એ તમારી પસંદગીની બાબત છે. બીજા એક યુઝર્સે લખ્યું કે શરણાર્થી બનવું કોઈ પસંદ નથી કરતું તે વ્યક્તિના અસ્તિત્વ પર પ્રશ્ન છે.