પ્રેશર ઘટાડે એવું રમતું-રમાડતું નાટક - બૈરી મારી બ્લડપ્રેશર

Tuesday 08th May 2018 12:27 EDT
 
પ્રમોટર પંકજ સોઢા, વિપુલ વિઠ્ઠલાણી,આસીફ પટેલ, ડિમ્પલ બિસ્કીટવાલા,વંદના વિઠલાણી, લાયન ડો. માણેક પટેલ, લાયન મહેન્દ્ર પટ્ટણી, કલ્યાણી ઠાકર, આગલી હરોળમાં બેઠેલા આકાશ ઝાલા, પ્રતિક જાદવ, કમલેશ પરમાર (ફોટો: ફ્રેંકી દોહારા)
 

ગેલેક્ષી શો લંડન અને પંકજ સોઢા પ્રસ્તુત ઇમ્તિયાઝ પટેલ અને આસીફ પટેલ નિર્મિત, મનોરંજન મેનિયા સર્જિત "બૈરી મારી બ્લડપ્રેશર" નાટક ભારતમાં બસો બાવીસ શો અને અમેરિકામાં ૩૮ શો કરી હવે યુકેમાં હાસ્યનું વિરાટ વાવાઝોડું લઈને આવ્યું છે. આ વાવાઝોડામાં તણાઈ જવાની મજા છે અને હસીને હસીને બેવડ વળી જવાય એવી મીઠી મધુરી સજા છે. લેખક-દિગ્દર્શક ઇમ્તિયાઝ પટેલે આ નાટકને મનોરંજનના અનેક સ્તર પર લાડ લડાવ્યા છે. ‘બૈરી મારી બ્લ્ડપ્રેશર’ નાટકની શરૂઆતમાં જ મુખ્ય કલાકાર વિપુલ વિઠલાણી (પાપડ પોળ સીરીયલ અને ગુજ્જુભાઈ ગોટાળે ચઢ્યા ફેમ) આવતાની સાથે જ દર્શકો સાથે સરસ સંવાદ સ્થાપિત કરી દે છે. લગન શબ્દમાં જ 'ગન' છે અને વાઈફનો પ્રાસ 'નાઈફ' સાથે મળે છે એવી દિલકશ વાતો સાથે નાટકનો વિષય ખૂલતો અને ખીલતો જાય છે. 'કટી પતંગ' જેવા બની ગયેલા પતિની જિંદગી પત્નીના ડરથી અને સાળાની હરકતોથી કેવો યુ-ટર્ન લે છે એની વાત નાટકમાં છે. પત્નીના મગજમાં શંકાનો કીડો અજગર બને ત્યારે ગળે કેવો ફાંસો લાગે એની વાત હસતા-હસાવતા અને રમતા-રમાડતા આ નાટકમાં કરવામાં આવી છે. નાટકના અનેક સંવાદો યાદગાર બન્યા છે. મેરેજ સર્ટિફિકેટમાં 'એક્સપાયરી ડેટ' શોધું છું, કેરેકટરનું 'એમઆઈઆર' અને 'સિટી સ્કેન' કરી નાખ્યું, 'ડાયેટ કોક'ની જેમ અપમાનના ઘૂંટડા ગળવા પડે છે... જેવા કેટલાય જાનદાર અને પાત્રને ખીલવતાં સંવાદોને પ્રેક્ષકો તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. મુખ્ય ભૂમિકામાં વિપુલ વિઠલાણી રંગ રાખે છે. આ કલાકારની બોડી લેંગ્વેજ સ્વયં એક ભાષા છે. એની સ્ટાઈલ પરથી જ દર્શક સમજી જાય કે તે શું કહેવા માગે છે. પત્નીની ભૂમિકામાં ટીવી સિરિયલોમાં જાણીતું નામ વંદના વિઠલાણી કચકચિયણ પત્નીની ભૂમિકા સુપેરે ભજવે છે. બહેન તરીકે ડિમ્પલ બીસ્કીટવાલા સરસ જમાવટ કરે છે, બનેવીના રોલમાં પ્રતીક જાદવ સમસ્યા ઊભી કરવામાં અને પછી એને સોલ્વ કરવામાં સફળ નીવડે છે. પંચાતિયા સસરા તરીકે આકાશ ઝાલા ગંભીર સ્થિતિમાં કોથળામાંથી બિલાડું કાઢતા હોય એવા સવાલો પૂછી વાતાવરણને હળવું રાખે છે. કલ્યાણી ઠાકર કથાને રસપ્રદ બનાવે છે, આસીફ પટેલ, કમલેશ પરમાર અને મયુર સોલંકી નાટકને એક કંપલીટ એન્ટરટેઇનમેન્ટ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આખુ નાટક તો અહી ન જ લખાય ને! એ તો જોવા જ જવું પડે.. કેમ ખરૂ ને! યુકેના પ્રેક્ષકો માટે હંમેશાં ભારતનું બેસ્ટ નાટક સિલેક્ટ કરી તેને યુકેના દર્શકો માટે લાવવાની પંકજ સોઢાની આવડતને કારણે રાયસ્લીપ, લેસ્ટર, બર્મિંગહામ, ક્રોયડન, પોટર્સબાર, ભારતીય વિદ્યાભવનના તમામ શો સોલ્ડ આઉટ થઇ ગયા હતા જેની ભરપૂર પ્રસંશા થઇ રહી છે. માંચેસ્ટર, લંડન કિંગ્સ્ટન અને રાયસ્લીપના શો હાઉસફૂલ થવાની તૈયારીમાં છે. મગજને ઘરે મૂકીને મનોરંજનને માણવા ઇચ્છતા લોકો માટે ‘બૈરી મારી બ્લડપ્રેશર’ મસ્તીનો મેળો છે અને બ્લડ પ્રેશર ઓછું કરવાની અકસીર દવા છે. યુકેના ગુજરાતી ઘરોમાં આજે એક જ ચર્ચા છે ‘બૈરી મારી બ્લડપ્રેશર’. તો આજે જ આપની ટિકીટ બુક કરાવો નહિં તો થશે કે સાલુ..... રહી ગયો! વધુ માહિતી માટે સંપર્ક: Pankaj Sodha 07985 222 186.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter