આધુનિક દુનિયાની વિચારધારા, નૈતિકતા અથવા આચાર-વિચાર જે દિશા તરફ જઇ રહ્યા છે એ જોતાં દુનિયાના દરેક ધર્મ, જાતિ કે જ્ઞાતિના મૂલ્યો, સંસ્કારોના ધજાગરા ઉડી રહ્યા હોય એવું કયારેક લાગે. બાહ્ય દેખાવ, વૈભવી ઝાકઝમાળ, લકઝરીયસ ગાડીઓ, આલીશાન બંગલા અને અઢળક દોરદમામ ભરેલી જિંદગી જીવનારાઓના જીવનમાં સંસ્કારીક મૂલ્યોની કોઇ કિંમત જ નથી હોતી એવા અનેક દાખલાઓ આપણા સમાજ અને પશ્ચિમી સમાજમાં જોવા અને જાણવા મળે છે. જીવનમાં કોઇપણ જાતનો સંઘર્ષ કે સંકળામણ વેઠ્યા વગર જુવાનિમાં જ ધનદોલતના મહાસાગરમાં મહાલવાના સ્વપ્નો સેવતી કેટલીક સૌંદર્યવાન યુવતીઓ એમનાથી ૧૦, ૨૦ કે ૩૦-૩૫ વર્ષ મોટી ઉંમરના કરોડપતિઓ સાથે મનમેળ સાધી શારિરીક સંબંધો બાંધવા, જરૂર પડ્યે લગ્ન પણ કરી લેવાં અને સમય આવ્યે છૂટાછેડા લઇ તગડી રકમો પડાવી લેવાના કુશળ કિમિયા કરવામાં માહેર થઇ ગઇ છે.
પહેલાના જમાનામાં મા-બાપ કે કુટુંબના વડીલે મૂરતિયો કે કન્યા જોઇને લગન પાકું કરી નાખ્યું હોય અને લગ્નના માંડવે કે પરણ્યાની પહેલી રાતે એકબીજાના મુખારવિંદ જોવાનું સદભાગ્ય સાંપડતું. પરંતુ એ ઉંધા પત્તાની બાજીવાળી" બ્લાઇન્ડ ગેમ આપણે સૌ યેનકેન પ્રકારેન નિભાવી લઇ જિંદગીની બાજી જીતી લેતા એ જમાનો તો કયારનોય ભોંયમાં ભંડારાઇ ગયો. આજે તો એક-બે વર્ષ સુધી હરે-ફરે પછી ફાઇવ સ્ટાર હોટેલોમાં લાખ્ખોનો ધૂમાડો કરી પરણે, પછી.....! પહેલી રાતે અથવા ડેસ્ટીનેશન હનીમૂન વેળાએ જ કોઇ નાની બાબતે જ ઝઘડો થતાં વિકરાળ સ્વરૂપ લઇ લેતાં "તુ તારા રસ્તે હું મારા રસ્તે" થઇ જતું હોવાના ઘણા કિસ્સા જોયા-જાણ્યા છે. આ બધા કારણો પાછળ એકબીજાની દેખાદેખી, વૈભવયુક્ત, એશઆરામ અને દોમદમામભર્યું જીવન જીવવાની અદમ્ય ખેવના. આજે લગ્નો તૂટી રહ્યાં છે, લગ્નો વગર "લીવ ઇન રીલેશન"નો ટ્રેન્ડ વધી રહ્યો છે.
જુવાનિયાઓની વાત છોડીએ આપણા સમાજના કહેવાતા ધનાઢય પરિવારોમાં પણ ઉંમરબાધ વગર લગ્નો થતાં જોયાં છે. કિશોરાવસ્થામાં જ યુવતીને પોતાનું ભવિષ્ય ઉજળું દેખાતું લાગે અને પોતાનાથી મોટી ઉંમરના પુરૂષ સાથે જીવન જોડી દે છે. કેટલાક છેલબટાઉ ધનપતિઓ તો ઘરે ગૃહલક્ષ્મી મૂકી રાત્રિ જલસા પાર્ટીઓમાં મદમસ્ત લલનાઓ સાથે મોજ ઉડાવતા ય દીઠા છે. કેટલાક દાખલામાં પ્રૌઢ વયના ધનાઢ્યોના ઘરમાં દીકરા-દીકરી પરણાવા લાયક હોય તેમછતાં પાર્ટીઓમાં એકબીજા સાથે છાનગપતિયાં કરી મોટી ઉંમરે "લીવ ઇન પાર્ટનરશીપ" કરતાં હોવાના દાખલા સાંભળ્યા છે.
ભઇ...! જમાનો ખરાબ આવ્યો છે અને એનો વાયરો જગતભરમાં વાય રહ્યો છે એને અનુલક્ષીને બનતા કેટલાક બનાવો છેલ્લા એકાદ અઠવાડિયાના અત્રેના દૈનિકોમાં પ્રસિધ્ધ થતાં ખૂબ ચકચાર જાગ્યો છે.
અમેરિકાના જગવિખ્યાત ફિલ્મ સિટી હોલીવુડથી આપ સૌ અજાણ તો નથી જ. આ હોલીવુડ જેવું જ આપણું બોલીવુડ પ્રચલિત છે એની વાત પછી કરીશું પણ આ હોલીવુડમાં રહેતા મોટી ઉંમરના (પ્રૌઢ) કરોડપતિઓની બીજી, ત્રીજી કે ચોથી પત્નીઓ શું કહે છે એ જાણવા જેવું છે. “રિયાલીટી ટી.વી.E ઉપર પ્રસારિત થયેલ આ "સેક્ન્ડ વાઇવ્સ કલબ"માં લોંસ એન્જલસના એકટરો, પ્રોડ્યુસર, ડોકટરો અને બીઝનેસમેનોની "ટ્રોફી વાઇવ્સ" પત્નીઓએ દિલ ખોલીને અંતરની વાતો રજૂ કરી છે. વરોનિકા ઓબેન્ગ નામની ૩૪ વર્ષીય યુવતી જે રોલ્સ રોયસ કાર રાખે છે અને જેને એક જ વખતે ૧૦૦૦ ડોલરનું ડિનર પરવડે છે એનું માનવું છે કે તમે તમારાથી ૧૦, ૨૦ કે ૩૦ વર્ષના પૈસાદાર, પાવરફૂલ પુરુષ સાથે પ્રેમમાં પડો એનો વાંધો નથી પણ પછી એ પુરુષ બીજે ભટકે ત્યારે તમે ફસાઇ જાવ, એને તાબે રહીને એ મરતા સુધી તમારે એણે સહન કરવો પડે"
વરોનિકા ઓબેન્ગ એ અમેરિકના અગ્રગણ્ય પ્લાસ્ટીક સર્જનની ચોથી પત્ની છે અને એ આ દાંમ્પત્ય જીવનના "ટ્રેપ"માં ફસાવા માંગતી નથી! એણે શોધ્યું છે કે એના પતિએ તેને દગો દઇ રહ્યો છે અને બીજી સાથે છાનગપતિયાં શરૂ કર્યાં છે એટલે છૂટાછેડાનું યુધ્ધ આદરી ડોકટરના જીવનમાં એ જબરજસ્ત વાવાઝોડું ફેલાવાની તૈયારી કરી રહી છે. અર્થાત્ પેલા ડોકટરને આર્થિક રીતે બરોબર નિચોવી લેશે.
છૂટાછેડા લીધા પછી વરોનિકા એના ઉજળા ભવિષ્ય માટે હજુ આશાવાદી છે. પાંચ સંતાનોની માતા માને છે કે અંદરથી એ ૨૬ વર્ષની હોય એટલો એનો આત્મવિશ્વાસ છે. પાંચમીવાર લગ્ન કરવા એને વેબસાઇટ પર એનું નામ લખીને પાંચ ફૂટ ત્રણ ઇંચથી ઉંચો, દેખાવડો અને એ રખડેલ કે પરણેલો ના હોય એવો મૂરતિયો શોધી રહી હોવાનું જણાવ્યું છે.”
વરોનિકાની માન્યતા મુજબ લોકોના જીવનમાં લગ્નનું કોઇ વિશેષ મહત્વ હોતું નથી. છૂટાછેડા એ તો સ્વાભાવિક છે, કોઇ સ્ત્રી આંગળી પર વેડીંગ રીંગ પહેર્યા વગર એલીઝાબેથ ટેલરની જેમ વટભેર બેવર્લી હિલ (લોસ એન્જલસ)ના મોંઘાદાટ સ્ટોરમાં શોપીંગ કરતી દેખાય તો માની લેવું કે છૂટાછેડામાં એને તગડી રકમ મળી છે.
૩૧ વર્ષની સવાના ક્રેગ એનાથી ૨૯ વર્ષ મોટા નામાંકિત સેલીબ્રટી સાથે પરણી હતી. એના પતિની યુવાન દીકરીની એ સરોગેટ મધર બની બાળકને જન્મ પણ આપ્યો હતો. આ બન્ને પતિ-પત્ની વચ્ચે શું વાંધા પડ્યા કે બન્ને છૂટાં થઇ લોસ એન્જલસના દરિયાકાંઠે સામસામે કિનારે રહે છે અને બોલવાનો સંબંધ નથી.
૮૦-૮૫ વર્ષના મોહામ્મદ હડીડની ઇરાનિયન વંશજ ફીયાન્સી શિવા સફાઇ ૩૩ વર્ષ ઉમરમાં નાની છે. શિવા દેખાવે નિખાલસ અને કેમેરાને આકર્ષિત કરે એટલી દેખાવડી છે. સુપર મોડેલ બેલા અને ગીગીના પ્રૌઢ પિતાનાં બીજીવાર લગ્ન થશે ત્યારે રિયાલીટી ટીવી પર દર્શાવશે. ૫૦ હજાર સ્કવેર ફૂટના આલિશાન મહેલમાં ટર્કીશ બાથ, મોરોક્કન સ્ટાઇલની રૂમો, બોલરૂમ્સ, સિનેમા અને ગણી ના શકાય એટલી બાથરૂમો અને બેડરૂમ્સ છે. જયારે મોહામ્મદ હડીડે હોલીવુડના પ્રાકૃતિક સ્થળે ડિનર યોજી શિવાને પ્રપોઝ કરી ત્યારે કરોડોની કિંમતના હીરા-નીલમ જડિત હારની ભેટ આપી હતી.
"મીસ ઇન્ડિયા"નો તાજ પહેરનાર અમેરિકાની તાનિયા મહેરા આવતા ત્રણ મહિનામાં એનાથી ૨૦ વર્ષ મોટા ફિલ્મ પ્રોડ્યુસર ડીન બોર્નસ્ટેઇન સાથે લગ્ન કરશે. એનાં આ બીજા કે ત્રીજાં લગ્ન છે.
યુગોસ્લાવિયન વંશજ મેલનિયા ટ્રમ્પ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ત્રીજી પત્ની છે. ફેશન ડિઝાઇનર મેલનિયા અને ટ્રમ્પ વચ્ચે શરૂઆતમાં લાગતું હતું કે બન્ને વચ્ચે આકર્ષણ છે પરંતુ જે રીતે યુરોપ પ્રવાસ દરમિયાન ટીવી કેમેરામાં મેલનિયા પ્રેસિડેન્ટ ટ્રમ્પનો હાથ તરછોડતી દેખાડવામાં આવી છે એ જોતાં મેલનિયા નાખૂશ જણાય છે.
અમેરિકા-યુરોપની વાત છોડો આપણે આપણા બોલીવુડ સ્ટારની વાત કરીએ... આપણી જૂની ફિલ્મ અભિનેત્રી નરગીસ દત્ત અને રાજકપૂર વચ્ચે પ્રેમ હતો એ સૌ કોઇ જાણે છે પણ "મધર ઇન્ડિયા"માં સુનીલદત્તે આગના સીન વખતે નરગીસને બચાવતાં એમનાથી ઉંમરમાં નાના સુનીલ દત્ત સાથે નરગીસે લગ્ન કર્યાં હતા. નીલી આંખોવાળા રાજકપૂર સાથે વૈજયંતીમાલાને પણ ઇલુ ઇલુ થયેલું પણ છેવટે મોટી ઉંંમરના ડોકટર બાલી સાથે લગ્ન કરી લેવાં પડ્યાં. તાજેતરની વાત કરીએ તો બોનીકપૂરની અનેક ફિલ્મોમાં અભિનય કરનાર શ્રીદેવીને પરણેલા, સંતાનોના પિતા બોનીકપૂર સાથે લગ્ન કર્યાં એ જ રીતે રાની મુખરજીએ પણ "દિલ વાલે દુલહનિયા" જેવી યશ ચોપરા બેનર હેઠળની ફિલ્મોમાં કામ કરતાં યશ ચોપરાના પ્રોડ્યુસર, નિર્માતા પરણેલા દીકરા આદિત્ય સાથે લગ્ન કર્યાં. હેમા માલિનીએ પણ એમનાથી મોટી ઉંમરના અને બે પુત્રોના પિતા ધર્મેન્દ્રકુમાર સાથે પ્રેમલગ્ન કર્યાં છે. કપૂર પરિવારની રૂપસુંદરી કરીનાએ એનાથી ઉમરમાં ૧૫ વર્ષ મોટા બીજવર, પટૌડી નવાબ સૈફઅલી સાથે લગ્ન કર્યાં છે. આપણા મૂલ્યો, પરંપરાને નેવે મૂકતી નવી વિચારધારા આપણી આવતી પેઢીને કયાં દોરી જશે એ કહેવું મુશ્કેલ છે.
ડિઝાઇનર સ્ટોર્સના કરોડપતિ બાપની વંઠેલ પુત્રી ગુનાખોર ગેંગસ્ટરના પ્રેમમાં....!!
લંડનના વિખ્યાત આર્કેડીઆ ફેશન ગ્રુપ (ટોપ શોપ, ડોરોથી પર્કીન્સ, મીસ સેલ્ફબ્રીજીસ, બર્ટન જેવા અગ્રગણ્ય સ્ટોર્સ)ના માલિક સર ફિલીપ ગ્રીન માટે એમની પુત્રી કલોઇ ગ્રીનના કારસ્તાન માથાનો દુ:ખાવો બની રહ્યો છે. ૨૬ વર્ષની બ્રિટીશ સોસાયટી લાઇટ કલોઇ જેલની હવા ખાઇને આવેલા ગેંગસ્ટર જેરેમી મીક્સના પ્રેમમાં ગળાડૂબ થઇ છે. ૩.૮ બિલિયનની અસ્કયામત ધરાવનાર સર ફિલીપ ગ્રીનની આ એકની એક દીકરી અને વારસદાર ગયા મેં મહિનામાં પેરિસ ખાતે કેન્સ ફેસ્ટીવલમાં ગઇ ત્યારે ગેંગસ્ટર જેરેમી સાથે ભેટો થયો હતો. ટર્કીના મેડીટરેનિયન સી'માં ૧૮૦ ફૂટ લાંબી વૈભવી યાટ્સમાં જાત જાતના પોઝ આપી જેરેમીના મેનેજર પાસે ખાસ ફોટા પડાવી તાજેતરમાં બ્રિટીશ દૈનિકોના પાનાઓમાં પ્રસિધ્ધ કરાવી કલોઇએ લખ્યું છે કે, “અમે બધાના પ્રેમ અને તિરસ્કારની કદર કરીએ છીએ, આ તો હજુ શરૂઆત છે.”
ઓટોમેટીક પિસ્તોલ રાખનાર કુખ્યાત ગેંગનો મેમ્બર જેરેમી ગયા વર્ષે જેલમાથી છૂટ્યા પછી ન્યૂયોર્ક ફેશન વીકમાં પ્રથમવાર મોડલીંગ કરવા કેટવોક કર્યું હતું. અમેરિકન જેરેમી મીક્સ શેરીઓમાં આતંકવાદ ફેલાવવામાં, હાથમાં બંદૂક લઇને ધાક જમાવવી, મોટી ચોરીઓ કરવી અને બાળકોને જાનહાનિ પહોંચાડવી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી ચાર વર્ષની જેલ થઇ હતી. બ્રિટનમાં એના ઉપર પ્રવેશબંધી લગાડવામાં આવી છે. અત્રે એ મોડલીંગ કરવા આવ્યો ત્યારે બ્રિટનમાંથી આઠ કલાકમાં જ એને ડિપોર્ટ કરી દેવાયો હતો. આખા શરીરે વિચિત્ર ટેટૂ (છૂંદણા)નું ચિતરામણ કરાવેલો મસલમેન જેરેમી બે બાળકોનો પિતા છે. ગયા ફેબ્રુઆરીમાં એની પત્ની મલીશાને વેલેન્ટાઇન ઉપર મેસેજ મોકલ્યો હતો કે "હું તને આજીવન પ્રેમ કરતો રહીશ.” મેડીટેરીયન સી'માં પૈસાદાર કલોઇ સાથે રંગેરલીયા મનાવતા જેરેમીની તસવીરો છાપામાં જોઇ મંગળવારે જેરેમીની પત્ની મલીશાએ ડિવોર્સ ફાઇલ કરી છે.
આવા બનાવો જાણી-સાંભળી એક ફિલ્મીગીત રજૂ કરવાનું મન થાય છે: “દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઇ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન"...