અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા’ ફિલ્મથી જાણીતા બનેલા મલયાલમ એક્ટર ફહાદ ફાસિલે આઠમી ઓગસ્ટે જન્મદિન ઉજવ્યો હતો. આ દિવસે તેની આગામી ફિલ્મ ‘વેટ્ટિયન’ના સેટ પરથી પ્રોડક્શન હાઉસે અનોખો ફોટોગ્રાફ શેર કર્યો હતો. જેમાં બે સુપરસ્ટાર્સ વચ્ચે ફહાદ જોવા મળે છે. ફહાદ અદબ વાળીને ઊભો છે અને ખભા પર અમિતાભ બચ્ચન - રજનીકાંતે હાથ મૂકેલા છે. ફોટોગ્રાફમાં ત્રણેયના ચહેરા પર સ્માઈલ છે. રજનીકાંતે બ્લેક ડ્રેસ પહેર્યો છે, ફહાદનો શર્ટ લાલ રંગનો છે અને બચ્ચન સૂટમાં સજ્જ છે. ફોટોગ્રાફ સાથે કેપ્શનમાં જણાવાયુ હતું કે, ‘ભારતીય સિનેમાના બે મોટા સ્તંભ સુપરસ્ટાર રજનીકાંત અને શહેનશાહ સિનિયર બચ્ચન સાથે ‘વેટ્ટિયન’ના સેટ પર.’ ભારતમાં ઘણાં એક્ટર્સ બચ્ચન અને રજનીકાંત સાથે કામ કરવા તલપાપડ જોવા મળે છે. જ્યારે ફહાદને તો બંને સાથે એક જ ફિલ્મમાં કામ કરવાની તક મળી છે. તેથી ઘણા લોકોએ ફહાદને ખૂબ લકી ગણાવીને ફોટોગ્રાફને લાઈક્સ આપ્યા હતા. આઠમી ઓગસ્ટે જ ફહાદની આગામી ફિલ્મ ‘પુષ્પા-2’નું નવું પોસ્ટર શેર થયું છે, જેમાં તે આઈપીએસ ભંવરસિંહના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ છઠ્ઠી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ભંવરસિંહના હાથમાં બંદૂક અને બીજા હાથમાં કુહાડી છે. ‘પુષ્પા’ની જૂની દાઝ કાઢવા ભંવરસિંહ વધારે હિંસક અને ખૂંખાર બન્યો હોય તેવું આ પોસ્ટર પરથી સ્પષ્ટ થાય છે.