દિગ્ગજ ફિલ્મ નિર્માતા રાજકુમાર કોહલીનું 93 વર્ષની વયે નિધન થયું છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે હાર્ટએટેકથી તેમનું નિધન થયું હતું. તેઓ તેમના ઘરના બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે રાજકુમાર સવારે નાહવા માટે બાથરૂમમાં ગયા હતા. લાંબો સમય વીતવા છતાં તેઓ સ્નાન કરીને બહાર ન આવતાં તેમનો પુત્ર અરમાન બાથરૂમનો દરવાજો તોડી અંદર ગયો હતો. બેભાન અવસ્થામાં પડેલા રાજકુમારને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. તેમના અંતિમસંસ્કાર શનિવારે સાંજે કરાયા હતા. તેઓ અભિનેતા અરમાન કોહલીના પિતા હતા. તેમણે મલ્ટિ સ્ટારર એક્શન ફિલ્મ 'વિદ્રોહી'થી અરમાનને લોન્ચ કર્યો, ત્યાર પછી તેમના નિર્દેશનમાં બનેલી વધુ ત્રણ ફિલ્મ ‘ઓલાદ કે દુશ્મન’, ‘કહાર’ અને ‘જાની દુશ્મન: એક અનોખી કહાની’ રિલીઝ થઈ. જોકે આ ચારેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફલોપ રહી હતી. નિર્માતા તરીકે ફિલ્મો તેમણે ‘ગોરા ઔર કાલા’ (1972), ‘ડંકા’ (1969), ‘દુલ્લા ભટ્ટી’ (૧૯૬૬), ‘લૂંટેરા’ (1965), ‘મૈં જટ્ટી પંજાબ દી’(1964), ‘પિંડ દી કુડી’ (1963) અને ‘સપની’ (1963) જેવી હિન્દી અને પંજાબી ફિલ્મો બનાવી હતી.