ઊર્મિલા માતોંડકરની ચર્ચિત ફિલ્મ ‘સ્કેન્ડલ’ સહિત અડધો ડઝનથી વધુ ફિલ્મોના નિર્માતા અને તેમના સમયના ફિલ્મી મેગેઝિન ‘સ્ટારડસ્ટ’ના પ્રકાશક નારી હીરાનું 86 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. થિયેટરના બદલે સીધી જ ડીવીડી પર ફિલ્મ રિલીઝ કરવાની પરંપરાને ચલણમાં લાવવા બદલ પણ ફિલ્મ ઉદ્યોગમાં તેમનું નામ જાણીતું થયું હતું. હિબા ફિલ્મ્સના બેનર નીચે તેમણે એક ડઝન જેટલી ફિલ્મો સીધી વીડિયો પર રિલીઝ કરી હતી. 26 જાન્યુઆરી 1938ના રોજ કરાચીમાં જન્મેલા નારી હીરા અને તેમનો પરિવાર 1947માં વિભાજન પછી મુંબઇ આવ્યા હતા. આરંભે 1960ના દાયકામાં એક પત્રકારના રૂપમાં તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી પ્રકાશન શરૂ કર્યું હતું. તેમના સામયિક ‘સ્ટારડસ્ટ’ને ભારે સફળતા મળી હતી. બોલિવૂડ ગપસપ અને સનસનાટી ભર્યા અહેવાલ વગેરેને કારણે ‘સ્ટારડસ્ટ’ને ઘણી વખત કાનૂની મુસીબતોનો પણ સામનો કરવો પડ્યો હતો. સામયિકને અમિતાભ, શાહરુખ, સલમાન સહિતના જાણીતા કલાકારોએ કરેલા બદનક્ષીના કેસોનો સામનો કરવો પડ્યો હતો. જાણીતા કલાકારોની પ્રાઈવસીના ભંગના કેસો પણ તેમની સામે નોંધાયા હતા. મોટા ભાગે ગોસિપ આધારિત સામગ્રીના પ્રકાશન બદલ સામયિકની આલોચના થતી રહેતી હતી.