વિદેશ જવાની લાલચમાં યુવાનો કેવી વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ જાય છે એ વ્યથાને હાસ્યના માધ્યમથી આ ફિલ્મમાં વર્ણવામાં આવી છે. કેદાર પટેલ (જેકી ભગનાણી)ને વિદેશ જવાનો ચસકો લાગ્યો છે કે તે કોઈપણ ભોગે દેશ બહાર જવા ઇચ્છે છે. કેદારે તો પોતાના નામની પાછળ પટેલ અને દેસાઈ લગાડીને પણ જોઈ લીધું, એ પછી પણ તેને વિઝા ન મળ્યા. પોતાને હોંશિયાર માનતા કેદારને તેનો વધુ હોંશિયાર મિત્ર શમ્મી (અર્શદ વારસી) અમેરિકા પહોંચાડવાની જવાબદારી લે છે અને એ પણ વિઝા વગર, ગેરકાયદે રીતે.
દરિયાઈ માર્ગે અમેરિકા જવા માટે બંને રવાના પણ થાય છે, પણ વચ્ચે દરિયામાં વાવાઝોડું આવે છે અને તેના કારણે શમ્મી-કેદાર કમનસીબે પાકિસ્તાનના કરાચી શહેરમાં પહોંચી જાય છે. કરાચી પહોંચેલા શમ્મી અને કેદાર પાસે એક પણ જાતનો કાયદેસરનો કાગળ નથી અને અધૂરામાં પૂરું બંને પાછા ભારતીય. શમ્મી અને કેદારને પહેલાં ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) અને એ પછી તાલિબાનના મિલિટન્ટને સોંપવામાં આવે છે. તેમને આતંકવાદી બનાવવાની તાલિમ આપવામાં આવે છે. હવે તેઓ જીવ બચાવવા અને પાકિસ્તાનમાંથી ભાગવા કેટલીક યુક્તીઓ અપનાવે છે. તેમને ISIના એજન્ટ લોરેનનો પણ સાથ મળે છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.
--------------------------
નિર્માતાઃ વાસુ ભગનાણી
દિગ્દર્શકઃ આશિષ આર. મોહન
ગાયકઃ વિશાલ દદલાણી, શિમી, મિકા સિંહ, રોચક કોહલી, શામલી ખોલગડે
ગીતકારઃ સમીર, કૌશર મુનિર, રોચક કોહલી
સંગીતકારઃ જીત ગાંગૂલી, અમજદ નદીમ અને રોચક કોહલી