એક રાતે ૬૫ વર્ષના પોસ્ટમેન ફર્ડી (નસીરુદ્દીન શાહ)ને એક પત્ર મળે છે જે તેમણે ૪૬ વર્ષ પહેલાં પોતાની ગર્લફ્રેન્ડ સ્ટેફની ફર્નાન્ડિસને લખ્યો હતો. આ પત્રમાં ફર્ડીએ સ્ટેફનીને લગ્ન માટેની દરખાસ્ત કરી હતી. ફર્ડી હંમેશા સ્ટેફનીને પ્રેમથી ફેની કહીને બોલાવતો. એ રાતે ફર્ડીને ખબર પડે છે કે આટલાં વર્ષો દરમિયાન એ પત્ર ક્યારેય ફેની પહોંચ્યો જ નહોતો અને હવે તેને એ પાછો મળ્યો છે. આ ૪૬ વર્ષ સુધી ફર્ડીને એવો અફસોસ રહ્યો કે સ્ટેફનીએ તેને પસંદ કર્યો નથી. પણ હવે પત્ર પાછો મળવાની સાથે જ તેના મનમાંથી એ અફસોસ નીકળી જાય છે અને તે ફેનીને ફરીથી શોધવાનું નક્કી કરે છે. ફર્ડીને એવા પણ વિચાર આવે છે કે ફેની કઇ સ્થિતિમાં જીવન વીતાવતી હશે?
એન્જી (દીપિકા પાદુકોણ) એક વિધવા છે, જેના પતિનું મૃત્યુ તેમના લગ્નના દિવસે જ થાય છે. તે ફર્ડીની મદદ કરવા ઇચ્છે છે. એન્જી, ફેનીને શોધવા માટે તેની દંભી વિધવા સાસુ રોઝી (ડિમ્પલ કપાડિયા) અને એક જાણીતા પેન્ટર ડોન પેડ્રો (પંકજ કપૂર)ની પણ મદદ લે છે. ચારેય ફેનીને શોધવાની તૈયારીઓ કરે છે અને આ યાત્રામાં તેમની સાથે સેવિયો ડી ગામા (અર્જુન કપૂર) પણ જોડાય છે. સેવિયો, ફેનીને શોધવા માટે એટલા માટે જોડાય છે કેમ કે તે એન્જીને પ્રેમ કરે છે. હવે આગળ શું થાય છે તે જાણવા ફિલ્મ જોવી રહી.