‘બાગી’ સિરીઝની ૩જી ફિલ્મ વિશ્વભરના સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. આ ફિલ્મના નિર્માતા ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈન્મેન્ટ છે અને ફિલ્મનું દિગ્દર્શન કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહેમદ ખાને સંભાળ્યું છે. આ એક્શન ઈમોશનલ ફિલ્મમાં રિતેશ દેશમુખ, ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર અને અંકિતા લોખંડે મુખ્ય ભૂમિકામાં છે તથા જેકી શ્રોફનો કેમેયો છે.
વાર્તા રે વાર્તા
‘બાગી’ના પ્રથમ ભાગમાં ટાઈગરે રોની એટલે કે રણવીર ચતુર્વેદીનું પાત્ર ભજવ્યું હતું અને તેણે પ્રેમિકા માટે વિલન સાથે બાથ ભીડી હતી. બીજા ભાગમાં પ્રેમિકાની બાળકીને બચાવવા માટે તેણે વિલનને હંફાવ્યો હતો. આ વખતે રોની આગ્રાના આઈપીએલ (જયદીપ અહલાવત)થી લઈને સીરિયાના અબુ જલાલ ગાઝા સાથે લડતો દેખાય છે. મરતી વખતે પિતાએ રોની પાસેથી વચન લીધું હતું કે તે હંમેશાં મોટાભાઈ વિક્રમ (રિતેશ દેશમુખ)નું ધ્યાન રાખશે. રોની પોતાના મોટાભાઈને બચાવવા અબુ જલાલ ગાઝા (જમીલ ખોરી)ને મારવા માટે અમેરિકા, રશિયા તથા ઈઝરાયલ જેવા દેશના સંગઠનો સાથે સંકલન સાધતો દેખાય છે. એમાં સિયા (શ્રદ્ધા કપૂર) તેનો સાથ આપે છે. ફિલ્મમાં રોની - સિયા ઉપરાંત વિક્રમ અને રુચિ (અંકિતા લોખંડે)ની લવસ્ટોરી છે.
એક્શન ઈમોશનથી ભરપૂર
‘બાગી ૩’માં દિલધડક એક્શન સીન્સ સાથે પારિવારિક લાગણીશીલ વાર્તાનો મસાલો છે. જંગી ટેન્ક અને વિમાનો બ્લાસ્ટ થતાં હોય એમાં દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને રોની દુશ્મનને પરાસ્ત કરે છે. ઈમોશનલ સ્ટોરી સાથે એક્શન ફિલ્મને અનુરૂપ લોકેશન તરીકે સર્બિયામાં ફિલ્મ શૂટ કરાઈ છે. સીરિયાની આતંક પ્રભાવિત ઉજ્જડ બિલ્ડિંગ અને અબુ જલાલના કાળા સામ્રાજ્યને ફિલ્મમાં સુંદર રીતે દર્શાવાયા છે. ફિલ્મના એક્શન સીન મિલન એલેવંજાએ સાઉથના સ્ટંટ ડિરેક્ટર રામ તથા લક્ષ્મણની ટીમની મદદ લીધી છે. ફિલ્મનું ધમાકેદાર ગીત ‘દસ બહાને ૨.૦’ વખણાઈ રહ્યું છે.