‘ફિલ્મિસ્તાન’ અને ‘નોટબુક’ના ડિરેક્ટર નીતિન કક્કડની ફિલ્મ ‘જવાની જાનેમન’ પણ એક વિદેશી ફિલ્મ પરથી પ્રેરિત છે. ફિલ્મના નિર્માતા સૈફઅલી ખાન અને જેકી ભગનાની છે. નીતિન કક્કડનો પ્રયત્ન તેમની ફિલ્મો દ્વારા હસાવીને મેસેજ આપવાનો રહ્યો છે. આ ફિલ્મમાં તેમણે આધુનિક સમાજના એક આધેડની જીવન જીવવાની રીત વર્ણવી છે.
વાર્તા રે વાર્તા
૪૫ વર્ષનો એક આધેડ (સૈફઅલી ખાન) લંડનમાં રહેતો હોય છે અને પ્રોપર્ટી ડિલિંગમાં કામ કરતો હોય છે. તે ઘણા પૈસા કમાય છે અને રાતે પબમાં જઈને ખર્ચો કરે છે. લગ્નથી તે ડરે છે કારણકે તે લગ્ન અને એ પછીની જવાબદારીઓ ભોગવવા ઈચ્છતો નથી. તેની જિંદગીમાં અચાનક ૨૧ વર્ષીય દીકરી ટિયા (અલાયા ફર્નિચરવાલા)નો પ્રવેશ થાય છે અને તેની જિંદગી બદલાઈ જાય છે. આઝાદી સાથે જીવનના ફંડા વચ્ચે પરિવારની જરૂરનો ફંડા આ બે વિચારો વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. રસપ્રદ વાત એ છે કે ટિયાને પરિવાર અને સંબંધો પ્રત્યે આદર હોય છે જ્યારે તેના માતા-પિતા સંબંધોને સાચવવાથી દૂર ભાગે છે. ટિયાનો બોયફ્રેન્ડ પણ બાળકની જવાબદારીથી દૂર ભાગતો હોય છે. શરૂઆતમાં આધેડ ટિયાને અપનાવી શકતો નથી, પણ પછીથી જ્યારે તેને ખબર પડે છે કે ટિયા ગર્ભવતી છે ત્યારે તેની જીવન જીવવાની દૃષ્ટિ બદલાય છે.