દિનેશ વિઝન નિર્મિત, અમર કૌશિક નિર્દેશિત અને નિરેન ભટ્ટ લેખિત ફિલ્મ ‘બાલા’ તાજેતરમાં જ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના ઉપરાંત યામી ગૌતમ, ભૂમિ પેડનેકર, જાવેદ જાફરી અને સૌરભ શુક્લા મહત્ત્વના રોલમાં છે. ટાલ સાથે જીવતા યુવકના યુનિક ટોપિક પર આ ફિલ્મ આધારિત છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર એવી યુવતી છે કે જે પોતાની સ્કિનના શ્યામ રંગને કારણે પરેશાન છે. નિર્દેશક અમર કૌશિકે ફિલ્મમાં સંદેશો આપ્યો છે કે, ટાલિયાપણા કે શ્યામ રંગ જેવી કુદરતી સમસ્યાઓના કારણે માણસે પોતાની જાતને બદલવાની જરૂર નથી. તમે જેવા છો એવા જ સારા છો.
વાર્તા રે વાર્તા
ફિલ્મમાં બાલમુકુંદ ઉર્ફે બાલા (આયુષ્યમાન ખુરાના)ના ૨૫ વર્ષની વયે જ વાળ જવાના શરૂ થઈ જાય છે. બાલાને નાનપણમાં માથામાં વાળનો એટલો જથ્થો હતો કે તેને એ વાતનું ગુમાન રહેતું હતું.
બાલાને ટાલ હોવાથી લોકો તેની મજાક ઉડાવતા રહે છે. તેની ગર્લફ્રેન્ડ પણ તેને છોડીને જતી રહે છે. નોકરીમાં પણ ડિમોશન મળે છે. તેને એક્ઝિક્યુટિવના પદથી હટાવીને ક્રીમ વેચવાનું કામ અપાય છે. આ તમામ પરિસ્થિતિમાં બાલા હતાશ થતો નથી. જોકે તે પોતાના માથે વિવિધ રીતે વાળ ઉગાડવાના પ્રયાસો કરે છે. તેને લાગે છે કે એક દિવસે તેને જરૂર સફળતા મળશે. બાલાની નાનપણની મિત્ર લતિકા (ભૂમિ પેડનેકર) શ્યામવર્ણી યુવતી છે. વ્યવસાયે વકીલ લતિકા બાલાને હકીકતનો સ્વીકાર કરવાનું કહે છે, પણ બાલા તેની વાતોને અવગણતો રહે છે. આ બધા વચ્ચે ટીકટોક સ્ટાર પરી (યામી ગૌતમ)નો પ્રવેશ થાય છે. આ ત્રણેય પાત્રોની આસપાસ જ વાર્તા ઘૂમે છે. સૌરભ શુક્લા બાલાના પિતાના રોલમાં છે.
હિટ હૈ બોસ
ફિલ્મની વાર્તાનો વિષય સામાન્ય હોવા છતાં ડિરેક્શન, ફિલ્મની માવજત અને કલાકાકોની એક્ટિંગથી ફિલ્મ હિટ છે. ફિલ્મનું મ્યુઝિક પણ કર્ણપ્રિય છે. ‘ડોન્ટ બી શાય’, ‘પ્યાર તો થા’, ‘ટકિલા’, ‘જિંદગી’ માટે સચિન – જિગરની જોડીએ મ્યુઝિક આપ્યું છે. ‘ના ગોરિયે’માં સચિન -જિગર ઉપરાંત બી. પ્રતીકે પણ મ્યુઝિકમાં ભાગ ભજવ્યો છે.