મુંબઈઃ કંગના રાણાવત ફિલ્મ સાઇન કરતી વખતના કરારમાં એક નવો ક્લોઝ ઉમેરી રહી છે. હંસલ મહેતાની આગામી ફિલ્મ સાથે અભિનેત્રીની આ શરત લાગુ પણ થઇ ગઇ છે એટલું જ નહીં હવે તે નવી શરતે પોતાના વિજ્ઞાપનના કરાર કરતી વખતે પણ કરવાની છે. કંગનાના નજીકના મિત્રોએ કહ્યું છે કે, કોઇ પણ ફિલ્મ સાઇન કરતા પહેલા પોતાની શરત કરારમાં શામેલ કરવાની છે. આ શરત અનુસાર કંગના હવે જે પણ ફિલ્મમાં કામ કરશે, તે ફિલ્મનું ફાઇનલ એડિટ જોશે અને એનાથી સંતુષ્ટ થશે તો જ ફિલ્મને રિલીઝ કરવાનું ગ્રીન સિગ્નલ મળશે. કહેવાય છે કે કંગનાએ આ કરાર પોતાના ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને કર્યા છે.
કંગના આવો ક્લોઝ વિજ્ઞાપન સાઇન કરતી વખતના કરારમાં પણ ઉમેરવાની છે. પોતે જે પણ વિજ્ઞાપન કરશે તેને તે જોયા પછી જ જાહેર કરવાની મંજૂરી તે આપશે. કંગનાની આ શરત નિર્માતાને સામાન્ય રીતે અપાતા 'એનઓસી' કરતા અલગ હશે. બોલિવૂડના ઇતિહાસમાં કોઈએ પ્રથમ વખત આવો ક્લોઝ કરારમાં ઉમેર્યો છે.