ગુવાહાટીઃ હિન્દી ફિલ્મઉદ્યોગની પ્રતિભાઓને બિરદાવવા માટે દર વર્ષે યોજાતા ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનિત ‘ગલી બોય’એ વિક્રમ સર્જ્યો છે. એવોર્ડના ૬૫ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ફિલ્મનગરી મુંબઇની બહાર આસામની રાજધાની ગુવાહાટીમાં યોજાયેલા સમારોહમાં ઝોયા અખ્તરની ‘ગલી બોય’એ બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ સહિત કુલ ૧૩ એવોર્ડ મેળવીને છવાઇ ગઇ હતી. ફિલ્મે ૧૩ નોમિનેશન મેળવ્યા હતા ને તમામ કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે, જે એક આગવો રેકોર્ડ છે.
રવિવારે રાત્રે યોજાયેલા ઝાકઝમાળભર્યા ૬૫મા ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં ભારતીય ફિલ્મજગતના ટોચના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. શાનદાર સમારોહનું સંચાલન કરણ જોહર, વિકી કૌશલ અને વરુણ ધવને કર્યું હતું. તો અક્ષય કુમાર, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, વરુણ ધવન અને કાર્તિક આર્યન સહિત અનેક કલાકારોએ દર્શકો ઝૂમી ઊઠે એવા પર્ફોર્મન્સ આપ્યાં હતાં.
ટીકા - આક્રોશ - ધમાલ
કંગના રણૌતની બહેન રંગોલીએ ‘ગલી બોય’ ફિલ્મ માટે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવા બદલ ફિલ્મફેરની ભારે ઝાટકણી કાઢી છે. આ પહેલાં કંગનાએ આલિયાનાં ‘ગલી બોય’નાં પરફોર્મન્સને એવરેજ ગણાવ્યું હતું. રંગોલીએ તો બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મેળવનાર અનન્યા પાંડેને પણ નથી છોડી અને લખ્યું છે કે રાધિકા મદનને આ એવોર્ડ મળવો જોઇએ અને અનન્યા પાસે તો ફિલ્મી પેરન્ટ્સ પણ છે ત્યારે રાધિકાને પ્રોત્સાહન મળે એ જરૂરી છે.
આ જ રીતે ફિલ્મ ‘કેસરી’નાં ગીત ‘તેરી મિટ્ટી...’ને ફિલ્મફેર એવોર્ડ ના મળતાં તેના ગાયક મનોજ મુંતશિરે ભારે નિરાશા અને આક્રોશ વ્યક્ત કર્યા હતા. તેણે એવી ટિપ્પણી કરી હતી કે હવે તે મરશે ત્યાં સુધી કોઇ એવોર્ડ શોમાં નહીં જાય. ‘ગલી બોય’ ફિલ્મનાં ‘અપના ટાઇમ આયેગા...’ ગીતને એવોર્ડ મળ્યો છે. રોષે ભરાયેલા મનોજ મુંતશિરે પોતાના ઇન્સ્ટાપેજ પર લખ્યું હતું કે ‘ડિયર એવોર્ડ્ઝ, હું આખી જિંદગી પણ મહેનત કરીશ તો 'તેરી મિટ્ટી' જેવું ગીત નહીં લખી શકું.’
ફિલ્મફેર એવોર્ડ તેનાં માસ્ટર ઓફ સેરીમની, કટાક્ષ કરતી ટિપ્પણીઓ અને ધમાલ- મસ્તી માટે હંમેશા ચર્ચામાં રહે છે. અક્ષય કુમાર અને વિક્કી કૌશલે કરણ જૌહરને ટિંગટોળી કરી છે તે વીડિયો ભારે વાઇરલ થયો છે. તેમાં વળી પાછું કરણે એવું કહેતો જોવા મળે છે કે તેનું સપનું પુરું થઇ ગયું.