ફિલ્મી દુનિયાની જાણી-અજાણી વાતો માટે જૂઓ ‘આમિર ખાન ટોકીઝ’

Sunday 06th April 2025 09:43 EDT
 
 

એક્ટર આમિર ખાન હવે યુટયુબર બની ગયો છે. તેણે ‘આમિર ખાન ટોકીઝ’ નામની યુટયુબ ચેનલ શરૂ કરી છે. તેણે શરૂઆતના કેટલાક વીડિયોમાં ‘લગાન’નાં નિર્માણ વિશેની વાતો ઉપરાંત ‘લાપત્તા લેડીઝ’માં તેના નિષ્ફળ ઓડિશનની વાતો શેર કરી છે. આ ચેનલના ઈન્ટ્રોડક્શન સ્ટુડિયોમાં આમિરે જણાવ્યું હતું કે દરેક ફિલ્મોની નિર્માણ પ્રક્રિયા પાછળ પણ કેટલીક સ્ટોરીઝ હોય છે. આ સ્ટોરીઝ પોતે કોઈ મધ્યસ્થી વિના સીધી જ દર્શકો સાથે શેર કરવા માગે છે. આથી તેણે આ યુટયુબ ચેનલ ચાલુ કરી છે. તે આ ચેનલ દ્વારા પોતાની ફિલ્મ કારકિર્દીની વાતો જુદા જુદા એન્ગલથી રજૂ કરશે.
આ ચેનલ પરથી આમિરની સુપરહિટ ફિલ્મ ‘લગાન’નાં ભુજમાં થયેલાં શૂટિંગ વિશેની કેટલીય જાણી-અજાણી વાતો શેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં સેટ પર જ ડાયલોગ્સનું રેકોર્ડિંગ થતું હતું, આમિરે ક્રાઉડ કન્ટ્રોલ કરવામાં કેવી મહેનત કરી હતી, ‘ચલે ચલો...’ ગીતનાં લિરિક્સમાં જાવેદ અખ્તરે કેવા ફેરફારો સૂચવ્યા હતા, રિના દત્તાએ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર તરીકે કામ કર્યું હતું વગેરે કેટલીય વાતો આ વીડિયોમાં સમાવી લેવાઈ છે.
એ જ રીતે આ ચેનલ પરથી આમિરે ‘લાપત્તા લેડીઝ’માં ઈન્સ્પેક્ટરના રોલ માટે આપેલાં ઓડિશનનો વીડિયો પણ રીલિઝ કરાયો છે. ઉલ્લેખનીય છે કે કિરણ રાવે આ રોલ માટે આમિરને રિજેક્ટ કરીને તેના બદલે રવિ કિશન પર પસંદગી ઉતારી હતી અને રવિ કિશનને આ રોલ માટે કેટલાય એવોર્ડ પણ મળ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter