રીલ લાઇફમાં સામાન્ય લોકોને પોતાનો ભોગ બનાવતા એક વિલનને રીયલ લાઇફમાં દર્શકોના વધુ પડતા પ્રેમનો ભોગ બનવું પડ્યું છે. મોટાભાગની ફિલ્મોમાં નકારાત્મક પાત્ર ભજવતા શક્તિ કપૂરને એક ફિલ્મના શૂટિંગમાં ચાહકોના કથિત પ્રેમનો સામનો કરવો પડયો હતો, જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત તેમના તેમના ચાહકોએ તેમને લૂંટી પણ લીધા હતા. શક્તિ કપૂર ફિલ્મ ‘કયા ફૂલ હૈ હમ’નું શૂટિંગ કાનપુરમાં કરી રહ્યા હતા. તેમની સાથે અન્ય અભિનેતા તુષાર કપૂર અને આફતાબ શિવદાસાની પણ હાજર હતા. આ દરમિયાન તેમને જોવા માટે ચાહકોની મોટી ભીડ જમા થઇ હતી. શૂટિંગ દરમિયાન ચાહકોને આ કલાકારોને મળવાની મંજૂરી ન હતી, પરંતુ શક્તિ કપૂર તેમને મળવા સામેથી ગયા હતા. આવામાં ચાહકોની ભીડ અચાનક જ તૂડી પડી અને તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.