ફોર્બ્સની વિશ્વના ૧૦૦ સૌથી વધારે કમાણી કરનારા એક્ટર્સની યાદીમાં આ વર્ષે ભારતમાંથી માત્ર અક્ષયકુમારનું નામ સામેલ છે. ૨૦૧૯ની હાઇએસ્ટ પેડ સેલિબ્રિટી યાદીમાં અક્ષય કુમાર ૩૩મા ક્રમે છે. તેની કમાણી ૬.૫ કરોડ ડોલર (રૂ. ૪૪૪ કરોડ) છે. સલમાન ખાન આ યાદીમાં બહાર થઇ ગયો છે. ગયા વર્ષે રૂ. ૨૫૭ કરોડની કમાણી સાથે તે ૮૨મા ક્રમે હતો. ૨૦૧૭માં સલમાન ખાન ૬૫મા ક્રમે હતો.
ફોર્બ્સની સૌથી વધારે કમાણી કરનારા સેલિબ્રિટીની યાદીમાં અમેરિકાની સિંગર ટેલર સ્વિફ્ટ પ્રથમ સ્થાને છે. તેમની કમાણી ૧૮૫ મિલિયન ડોલર (લગભગ રૂ. ૧૨૬૪ કરોડ) છે. તેઓ ૨૦૧૬થી જ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. ટેલર સ્વિફ્ટ બાદ બિઝનેસ વુમન અને મોડલ કાઇલી જેનર ૧૭૦ મિલિયન ડોલરની સાથે બીજા ક્રમે છે. ત્યાંજ કેન્યે વેસ્ટ ત્રીજા ક્રમે, આર્જેન્ટિનાના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સી ચોથા ક્રમે અને બ્રિટિશ સિંગર એડ શીરન પાંચમા ક્રમે છે. અક્ષયકુમાર દર વર્ષે ચાર ફિલ્મો કરે છે અને તેમની ફિલ્મો હિટ જતા તેઓ કમાણી મામલે નંબર વનના સ્થાને પહોંચ્યા છે. અક્ષય ગયા કેટલાક સમયથી દેશભક્તિ અને જનકલ્યાણ સંબંધી ફિલ્મ કરવાનું પસંદ કરે છે જેથી તેઓ સતત સફળ થઇ રહ્યા છે. સાથે જ તેમણે ‘રોબોટ-૨’ જેવી ફિલ્મો પણ કરી છે. અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘મિશનલ મંગલ’ આવી રહી છે. તેમાં તેની સાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી, શરમન જોશી અને સોનાક્ષી સિંહા છે. આ ફિલ્મમાં તે ઈસરોના વૈજ્ઞાનિકનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ પંદરમી ઓગષ્ટે રિલીઝ થવાની છે. ૨૦૧૮ના વર્ષમાં સલમાન ખાન ફોર્બ્સની યાદીમાં ૮૩મા ક્રમે રહ્યો હતો જ્યારે તેની સાથે શાહરુખ ખાન અને અક્ષય કુમાર ૬૫મા નંબરે રહ્યા હતા. સલમાનની છેલ્લી ફિલ્મ ભારત રિલીઝ થઈ છે પણ બોક્સ ઓફિસ પર તે કોઈ કમાલ બતાવી શકી નથી.