વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ ‘કલંક’ તાજેતરમાં દેશવિદેશના સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. કરણ જોહર સહિત ત્રણ દિગ્ગજ નિર્માતાઓ નિર્મિત આ ફિલ્મનું ડિરેક્શન ‘ટુ સ્ટેટ્સ’ ફેમ અભિષેક બર્મને કર્યું છે. ફિલ્મમાં ૧૯૪૦ના દાયકાની વાર્તા છે. આ એપિક ડ્રામામાં માધુરી દીક્ષિત અને સંજય દત્ત પણ છે.
વાર્તા રે વાર્તા
ફિલ્મ ‘કલંક’ની શરૂઆતમાં આઝાદી પહેલાનું પાકિસ્તાન દર્શાવાયું છે. હુસ્નાબાદમાં રહેતા સંજય દત્ત (બલરાજ ચૌધરી) ‘ડેઈલી ટાઇમ્સ’ અખબારના માલિક છે. બલરાજનો દીકરો દેવ ચૌધરી (આદિત્ય રોય કપૂર) અખબારનો એડિટર છે. દેવની પત્ની સોનાક્ષી સિંહા (સત્યા)ને કેન્સર હોય છે. ડોક્ટર્સ કહે છે કે તેની પાસે એક વર્ષનો જ સમય હોય છે. પોતાના પતિની જિંદગીમાં ખુશી લાવવા માટે સત્યા આલિયા ભટ્ટ (રૂપ)ના પિતા સાથે મળીને એક કરાર કરે છે. કરાર એ છે કે રૂપ તેના ઘરે આવીને રહે અને બદલામાં તે રૂપની બંને બહેનોની લગ્ન સુધીની સંપૂર્ણ જવાબદારીની વ્યવસ્થા ગોઠવી આપશે. રૂપના પિતા શાસ્ત્રીય સંગીતના શિક્ષક છે. શરૂઆતમાં રૂપને આ કરાર મંજૂર નથી, પરંતુ પોતાની બહેનોના ભવિષ્ય માટે અંતે તે તૈયાર થાય છે. રૂપ જોકે એક શરત રાખે છે કે તે દેવ ચૌધરી સાથે લગ્ન કરીને પછી જ દેવના ઘરમાં રહેશે.
દેવના ઘરે આવ્યા પછી રૂપ સંગીત શીખવા બેગમ (માધુરી દીક્ષિત)ના કોઠા પર જવાનું શરૂ કરે છે. અહીં તેની મુલાકાત વરુણ ધવન (ઝફર) સાથે થાય છે. ઝફર હથિયાર બનાવવાનું કામ કરતો હોય છે. બલરાજ સામે બદલો લેવા માટે ઝફર રૂપનો ઉપયોગ કરવાનો પ્લાન ઘડે છે. જોકે તે રૂપના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મમાં આઝાદીની જંગ સાથે અંગ્રેજો દ્વારા લગાવવામાં આવતા સ્ટીલના મશીનો વિરુદ્ધ લડાઈ દર્શાવાઈ છે.
આ ફિલ્મમાં પ્રેમ અને લગ્નજીવનના ઘણા ચડાવ ઉતાર દેખાય છે. દેવ અને સત્યાની પ્રેમકહાની, ઝફર અને રૂપની લવસ્ટોરી અને એક સમયે દેવ અને રૂપ વચ્ચે અંકુરિત કૂણી લાગણી કહાનીને અનેક ટ્વિસ્ટ આપે છે. ફિલ્મમાં બલરાજ અને બેગમ વચ્ચેનો સંબંધ પણ દિલચશ્પ છે. ફિલ્મના અંતે રૂપનું જીવન શું વળાંક લે છે એ જાણવા ફિલ્મ જોવી રહી.
મ્યુઝિકલ સ્ટોરી
બે કલાક ૪૮ મિનિટની આ ફિલ્મમાં ઘણા ગીતો છે અને કેટલાક ગીતો કર્ણપ્રિય પણ છે. ફિલ્મમાં રિપિટ ડાયલોગ થિયરીનો સારી રીતે ઉપયોગ થયો છે. ફિલ્મનું સ્વતંત્રતા પહેલાનું બેકડ્રોપ પરદા પર સુંદર લાગે છે. ફિલ્મના સેટ અને કોસ્ચ્યુમ દાદ દેવી પડે તેવાં છે.