મુંબઈ: બુધવારે સોશિયલ મીડિયાની નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર ઋષિ કપૂરે કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર હલ્લાબોલ કર્યો હતો. શ્રેણીબદ્ધ ટ્વિટમાં ૬૩ વર્ષીય અભિનેતાએ દેશની રાજકીય વ્યવસ્થા અને ગાંધી પરિવારના સભ્યો પર આકરા પ્રહાર કર્યા હતા. ઋષિ કપૂર ૨૦૧૦માં ટ્વિટર પર જોડાયો હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તે ઘણો સક્રિય બન્યો છે. પોતાના આખાબોલા નિવેદનોથી ઘણીવાર સોશિયલ મીડિયામાં તે વિવાદના વંટોળ સર્જી ચૂક્યો છે.
ચિન્ટુનું ટ્વિટ
૧. કોંગ્રેસે ગાંધી પરિવારના નામે કરેલી દેશની તમામ સંપત્તિના નામ બદલી નાંખ્યા, બાપનો માલ સમજી લીધો છે?
૨. જો દિલ્હીમાં સડકોનાં નામ બદલી શકાતાં હોય તો કોંગ્રેસના નામે કરેલી સંપત્તિઓના નામ કેમ નહીં?
૩. દેશની મહત્ત્વપૂર્ણ સંપત્તિઓના સમાજમાં યોગદાન આપનારાં લોકોના નામ આપવા જોઈએ.
૪. ફિલ્મ સિટીનું નામ બદલીને દિલીપકુમાર, દેવ આનંદ, અશોક કુમાર અથવા અમિતાભ બચ્ચનનું નામ આપવું જોઈએ. રાજીવ ગાંધી ઉદ્યોગ એટલે શું? જરા વિચારો દોસ્તો.