જર્મનીની રાજધાની બર્લિનમાં ૨૦મી ફેબ્રુઆરીથી બર્લિન ફિલ્મ ફેસ્ટિવલની ૭૦મી એડિશનની શરૂઆત થઈ હતી. આ વર્ષે ચાર ભારતીય ફિલ્મો સહિત આશરે ૪૦૦ જેટલી ફિલ્મો આ ફેસ્ટિવલમાં સામેલ થઈ છે. ગત વર્ષે બર્લિનાલેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનિત ફિલ્મ ‘ગલી બોય’નું પ્રીમિયર યોજાયું હતું. જોકે આ વખતે ભારતના કોઈ પ્રખ્યાત ચહેરો બર્લિનમાં હાજરી નહીં આપે. બર્લિનાલેમાં બેસ્ટ ફિલ્મ માટે ગોલ્ડન બેયર એવોર્ડ અપાય છે જ્યારે બેસ્ટ એક્ટિંગ, રાઈટિંગ અને પ્રોડક્શન માટે સિલ્વર બેયર પુરસ્કર અપાય છે. એક આંતરરાષ્ટ્રીય જ્યુરી આ એવોર્ડ માટે પસંદગી કરે છે. અને ૨૦૦૨માં ભારતની મીરાં નાયર આ જ્યુરીના પ્રમુખ બન્યા હતા.
પુષ્પેન્દ્ર સિંહની કાશ્મીર આધારિત ‘લૈલા ઓર સાત ગીત’ પ્રતીક વત્સની ‘ઈબ આલેઉ’, અક્ષય ઈંદિકારની ‘સ્થલપુરાણ’ આ ત્રણ ફિચર ફિલ્મો ઉપરાંત એકતા મિત્તલની ડોક્યુમેન્ટરી ‘ગુમનામ દિન’ આ વખતના બર્લિનાલેમાં સામેલ છે. આ વર્ષે ઓસ્કાર વિજેતા હેલેન મિરેનને બર્લિનાલેમાં લાઈફટાઈમ અચિવમેન્ટનો ગોલ્ડન બેયર એવોર્ડ એનાયત થયો છે.