સાઉથથી લઇને બોલિવૂડના સ્ટાર્સને પોતાની આંગળી પર નચાવનારા સુપ્રસિદ્ધ કોરિયોગ્રાફર જાની માસ્ટર એક મહિનાથી બળાત્કારના આરોપસર જેલમાં છે. અને આ જ કારણસર તેને નેશનલ એવોર્ડ ગુમાવવો પડ્યો છે. પ્રસિદ્ધ ફિલ્મ ‘છિરુચિત્રામ્બલમ’ના ગીત ‘મેઘમ કરુકથા...’ માટે કોરિયોગ્રાફર જાની માસ્ટરની સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફર કેટેગરીમાં નેશનલ એવોર્ડ માટે પસંદગી થઇ હતી. જોકે હવે બળાત્કારના આરોપમાં જેલમાં બંધ જાની માસ્ટરનો એવોર્ડ પરત લઈ લેવાયો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સેલે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે જાની માસ્ટરનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સસ્પેન્ડ કરી દેવાયો છે. નિવેદનમાં જણાવાયું કે આરોપની ગંભીરતાને ધ્યાનમાં લેતાં તેમજ આ મામલો કોર્ટમાં હોવાના કારણે જાની શેખનો વર્ષ 2022 માટે સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જાની માસ્ટરની ગત 19 સપ્ટેમ્બરના રોજ ગોવામાંથી ધરપકડ કરાઇ હતી.