મુંબઈ પોલીસે ગયા એપ્રિલમાં બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં સુપરસ્ટાર સલમાન ખાન અને તેના અભિનેતા ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન સલમાને તેના પરિવારની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે સાથે જ આ દબંગ અભિનેતાએ કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા વારંવાર નિશાન બનાવાઇ રહ્યો હોવાથી પરેશાન અને કંટાળી ગયો છે. ફાયરિંગની ઘટના સંદર્ભે તપાસ માટે ચોથી જૂને ક્રાઈમ બ્રાન્ચના ચાર અધિકારી સલમાનના નિવાસસ્થાને ગયા હતા. આ અધિકારીઓએ જણાવ્યું કે ‘સલમાનનું નિવેદન લગભગ ચાર કલાક અને તેના ભાઈ અરબાઝનું બે કલાકથી વધુ સમય સુધી નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ નિવેદન નોંધાવતી વખતે સલમાને કહ્યું કે ‘ફાયરિંગની આ ઘટના અમારા માટે ગંભીર ચેતવણી છે. ગોળીબાર બાદ તેણે પોતાની ગેલેરીમાં જઈ તપાસ કરી હતી, પરંતુ બહાર કોઈને જોવા મળ્યું નહોતું. થોડા સમય બાદ બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડે તેને ઘટનાની જાણ કરી હતી. તે વારંવાર ધમકી અને હુમલાથી સંપૂર્ણપણે અસ્વસ્થ અને થાકી ગયો છે. તેણે પહેલાં જ ઘણું સહન કર્યું છે. ઘણી અદાલતો દ્વારા લગાવવામાં આવેલ દંડ પણ ચૂકવી દીધો છે. તે દિવસે શું થયું હતું એની માહિતી પોલીસને આપતા સલમાને કહ્યું હતું કે ‘તે દિવસે હું ઘરે હતો. ઘરે પાર્ટી હોવાથી મોડી રાતે સૂઈ ગયો હતો. થોડા સમય બાદ ઘરની બહાર ગોળીબારના અવાજથી તે જાગી ગયો હતો.’ અભિનેતાએ આ કેસમાં મુંબઈ પોલીસની તપાસ બદલ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે ફાયરિંગના આ કેસમાં રવિવારે જ રાજસ્થાનથી વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.